આ વર્ષે સમગ્ર રાજયમાં ભારે વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે વરસાદની વિદાયનો સમય છે પણ હાલ જોતા એવું લાગી રહ્યું છે કે, ચોમાસુ હજુ હમણાં જ બેઠું છે. સમગ્ર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. જેમાં શાકભાજી, ડાંગર, કપાસ, મગફળી, મગ, સોયાબીન જેવા પાકોને ભારે નુકશાન થયું છે.
આ સમય ડાંગરની કાપણી કરવાનો છે પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ડાંગરના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે, જે ડાંગર બચ્યા છે તેને પણ રોગ લાગી ગયો છે. જેને કારણે વેપારી પણ આ ડાંગરના સારા ભાવ આપશે નહીં. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે.
ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં શેરડી વાવવાનો સમય છે. પરંતુ, વરસાદને કારણે શેરડીનો પાક એક મહિનો પાછળ ઠેલાશે, જેને લઈ શેરડીના પાક લેતા ખેડૂતોને પણ નુકશાન થશે. ઉત્તર ગુજરાતમાં મગફળી અને કપાસ જેવા પાકો પર સરકાર વીમો આપે છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આવી કોઈ સુવિધા નથી, તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આવો અન્યાય કેમ?