- OLX પર ઇન્જેક્શનના વેચાણ અંગે પોસ્ટ મૂકવામાં આવી હતી
- 1200 રૂપિયામાં ઇન્જેક્શન મળી રહેશે તેવું કહી લોકોની મજાક કરી
- શર્મનાક મજાકને કારણે પોલીસ પાસે લોકોએ કાર્યવાહીની કરી માંગ
સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે ગંભીર દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન આપવા ડોક્ટરી નોંધની જરૂર પજતી હોય છે. પરંતુ, હાલ ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓના પરિજનો નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2થી 3 કિલોમીટર સુધીની લાંબી લાઈનોમાં ઊભા છે. આ ઉપરાંત, ઇન્જેક્શનની અછત વચ્ચે સુરત કોવિડના દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે ક્રૂર મજાક કરવામાં આવ્યો છે. OLX પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી જે હાલ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે લોકોને ઇન્જેક્શન જોઈએ છે તેને માત્ર 1200 રૂપિયામાં ઇન્જેક્શન મળી રહેશે.
આ પણ વાંચો: રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ
લોકોએ પોસ્ટ મૂકનાર વ્યક્તિનો સંપર્ક પણ કર્યો
સુરતના ડિંડોલીના અંબિકા પાર્ક તેમજ અંબાનગર ખાતે 1200 રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન મળશે. એવી જાહેરાત OLX પર આપવામાં આવી હતી. ઇન્જેક્શન માટે વલખા મારી રહેલા લોકો માટે આ ખુબ જ મોટી બાબત હતી. જેથી લોકોએ પોસ્ટ મૂકનાર વ્યક્તિનો સંપર્ક પણ કર્યો પરંતુ, વ્યક્તિનો સંપર્ક કરી શક્યા નહોતા. આ ઉપરાંત, સામેથી લોકો સતત મેસેજ કરી રહ્યા હતા. પરંતુ, તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. એક તરફ સુરતમાં લોકો જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે. આ સાથે, ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે.
આ પણ વાંચો: રેમડેસીવીર ઇન્જેક્શન અને દર્દીની હાલાકી પગલે કોંગ્રેસના ધરણા અને બાદમાં અટકાયત
ટીખળખોરો સામે કાર્યવાહી થાય તેવી માંગ
આ પોસ્ટ અંગે સુરત ટેક્નિકલ સેલના ACP યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે, આ અંગે અત્યાર સુધી અમને કોઈ પણ લેખિતમાં ફરિયાદ મળી નથી. જો આવી પરિસ્થિતિમાં કોઈ મજાક કરે તો આ ગંભીર બાબત છે તે અંગેની સત્યતા શું છે અને આખી ઘટના શું છે તે અંગે અમે જાણકારી મેળવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટના કારણે લોકો હવે આવા ટીખળખોરો સામે તપાસ અને કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.