સુરત: હીરા ઉદ્યોગ માટે કોરોના વાયરસની મહામારી મોટી ઉપાધિ બની ચૂકી છે. કોરોના વાયરસની અસર ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે. આશરે રૂ 10 હજાર કરોડનું પેમેન્ટ અટવાયું છે. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા RBI અને નાણાં મંત્રાલયને સ્થિતિને ધ્યાનમાં રાખી ક્રેડિટ રિવાઇઝ તથા લોન રીસ્ટ્રક્ચર કરવા માંગ કરાઈ છે.
ચીનના વુહાનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર સુરતના ઉદ્યોગ પર પડી છે. કોરોના ભયના પગલે હોંગકોંગમાં રહેતા ભારતીય હીરા ઉદ્યોગકારો ભારત પરત ફરવા માંડ્યા છે. માર્ચમાં થનાર હોંગકોંગ જ્વેલરી શો માટે સુરતમાં તૈયાર થયેલા પોલિશ્ડ ડાયમંડના જથ્થાની નિકાસ અટકી પડી છે. હોંગકોંગમાં વેપાર 3 માર્ચ સુધી બંધ છે ત્યારે આ શો પાછળ ઠેલાતા ઘણી સમસ્યા ઉભી થઇ છે.
વેપારમાં આશરે 10 હજાર કરોડનું પેમેન્ટ અટવાયું છે. કોરોના વાયરસના કારણે ભારતીય જેમ- જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે 35થી 40 ટકાનો હિસ્સો ધરાવતા હોંગકોંગ અને ચીનમાં વેપાર ખોટકાઇ રહ્યો છે. જેથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ GJEPC દ્વારા RBI અને નાણાં મંત્રાલયને પત્ર થકી રજૂઆત કરાઈ છે કે, હોંગકોંગમાં યોજાનાર એક્ઝિબિશનમાં વેપારીઓના કરોડો રૂપિયા રોકાયા છે. જેથી GJEPC એ ક્રેડિટ રિવાઇઝ તથા લોન રીસ્ટ્રક્ચર કરવા માંગ કરી છે. સાથે જે ઇટરેસ્ટ રેડ છે તેમ રાહત આપવા જણાવ્યું છે.
કોરોના વાયરસના કારણે ચીન અને હોંગકોંગમાં નિકાસ સહિતના વેપાર અટકયા હોય તથા પેમેન્ટ ખોરવાયા હોય, લોન ચુકવણીમાં વધુ મુદત આપવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં 37 ટકા અને ચીનમાં 4 ટકા ડાયમંડની એક્સપોર્ટ થાય છે. સુરતથી વાર્ષિક 1.50 લાખ કરોડનું જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ છે.