સુરત: માંડવી તાલુકાના દેવગઢ ગામે વીરા નદી પર આવેલો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધ છલકાતા આજુબાજુ વિસ્તારના સહેલાણીઓ આ ધોધ જોવા ઉમટી પડ્યા હતા.
ચોમાસામાં ખાસ કરીને ગુજરાતના લોકો સાપુતારા જેવા હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે, પરંતુ માંડવીના દેવગઢ ગામમાં આવ્યા બાદ ડાંગ જિલ્લામાં આવ્યા હોવાનો અનુભવ સહેલાણીઓને થતો હોય છે. જેથી સુરતી લાલાઓ તથા આજુબાજુના વિસ્તારના લોકો સાપુતારા જવાને બદલે માંડવી અને ઉમરપાડા તાલુકાની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.
માંડવી અને ઉમરપાડા સુરત જિલ્લાના છેવાડાના તાલુકાઓ છે અને આ બન્ને તાલુકા જંગલથી ઘેરાયેલા છે. ઉમરપાડા તાલુકાને સુરત જિલ્લાનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. કારણ કે, દર વર્ષે સૌથી વધુ વરસાદ આ જ તાલુકામાં પડે છે.