ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યના ડાયમંડ સિટી સુરતનો બીજો નંબર આવતા સુરતના મેયર ડૉક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો 14મો નંબર આવ્યો હતો. તે જ મહત્વપૂર્ણ પરિબળ સાબિત થયું છે. 14મો નંબર આવતા મને આઘાત લાગ્યો હતો, ત્યારબાદ અમે આગળ વધવા માટે સુરતના શહેરીજનોને આહવાન કર્યું હતું. જેમાં સુરતના શહેરીજનોએ તમામ પ્રયાસો કર્યા છે. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્થળ ઉપરની સ્વચ્છતા ઉપરાંત ડોક્યુમેન્ટ સહિત શહેરી જનોને પોતાનો ફીડબેક આપવા માટે પણ હુંકાર કરવામાં આવ્યો હતો. લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તમે હકારાત્મક કે નકારાત્મક ફીડબેક આપો અને લોકોએ અમને સહકાર આપ્યો હતો.
જગદીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં ગટરમાંથી આવતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનું બનાવવામાં આવે છે. આ પાણી પીવા અને રસોઇ સિવાયના કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ડ્રેનેજના પાણીથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સાથે જ વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો પણ ઉપયોગ સુરત ખાતે વધુમાં વધુ કરવામાં આવ્યા છે. આમ અનેક મોરચે સારા કામ કર્યા હોવાના કારણે સુરત શહેરને સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
સુરત હવે વર્ષ ૨૦૨૧માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે તેના આયોજન મુદ્દે સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે પેરામીટર્સ નક્કી કરવામાં આવશે તે પેરામીટર્સને ધ્યાનમાં લઈને હવે આગળ વધીશું. તમામ ક્ષેત્રોમાં કામ કરીશું અને હજુ પણ વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયત્ન કરીશું.