સુરતઃ ગુજરાતના મોટા હીરા ઉદ્યોગપતિ અને સુરતના અડાજણની ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા સામે ગંભીર આરોપ થયા છે. શાળામાં જ પૂર્વ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ટ્રસ્ટી ચુનીલાલ હરિલાલ ગજેરા સામે છેડતીનો આરોપ મૂક્યો છે.
શિક્ષિકાનો આરોપ છે કે, શાળાના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા અવાર-નવાર તેમને બીભત્સ ચેનચાળા કરતા આવ્યા છે. ઓફિસમાં પણ તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. વર્ષ 2018ની 15 ડિસેમ્બરથી 27 માર્ચ 2019 દરમિયાન ટ્રસ્ટીએ તેમની સાથે અશોભનિય વર્તન કર્યું હતું. જે અંગે તેમણે અગાઉ આ બાબતે ઠપકો પણ આપ્યો હતો, પરંતુ આમ છતાં તેમના પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેથી તેમણે શાળા છોડી હતી.
શાળા છોડ્યા બાદ શિક્ષિકાએ આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી પણ કરી હતી. આમ છતાં પીડિતાને ન્યાય નહીં મળતાં તેમણે આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ફરિયાદ નોંધી છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે, પુરાવા મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી પાક્કા પુરાવા ના મળે ત્યાં સુધી પ્રાથમિક દ્રષ્ટિએ કાંઇ કહી શકાય નહીં.