- ધૃતિ પોતાને કિડની ડોનેટ કરનારા પરિવારને મળી
- ધૃતિ રાજધારીની બે વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
- સૂરતની ડોનેટ લાઈફ સંસ્થાની મદદથી ધૃતિને બીજી વખત કિડની મળી શકી
સુરતઃ ધૃતિ રાજધારીની ઉંમર માત્ર 25 વર્ષ છે. આટલી નાની ઉંમરમાં તેને બે વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું છે. વર્ષ 2004માં ધૃતિને સ્કિનની સમસ્યા સર્જાઇ હતી. તે ડોક્ટર પાસે ગઈ ત્યારે નિદાનમાં ડોક્ટરે જણાવ્યું હતું કે, તેની કિડની ફેલ થઈ ગઈ છે. આટલી નાની ઉંમરમાં આ સમાચાર પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હતા. તેમ છતાં યુવતીની માતાએ પોતાની કિડની તેને આપી હતી. જેના કારણે 11 વર્ષ સુધી તેની કિડની કાર્યરત રહી. પરંતુ 11 વર્ષ બાદ ફરીથી તેને ખબર પડી કે તે કિડની પણ ફેલ થઈ ગઈ છે અને ડાયાલિસિસની શરૂઆત થઈ છે. આવી પરિસ્થિતિમાં ધૃતીએ સૂરતની ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો, ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બન્ને પરિવાર એકબીજાને મળવા માગતા હતા
બીજી બાજુ સુરતના રહેવાસી માંગુકિયા પરિવારના મોભી નાનુભાઈને અકસ્માતમાં ડેડ જાહેર કરાયા હતા. પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને નાનુભાઇની કિડની ધૃતીને આપવામાં આવી હતી. આ ઘટનાને 4 વર્ષ થઇ ગયા છે. ત્યારે બન્ને પરિવાર એકબીજાને મળવા માગતા હતા, તેમ છતાં સંજોગો વસાત મળી શક્યા નહોતા. પરંતુ વર્લ્ડ કિડની દિવસ પર ધૃતી અને માંગુકિયા પરિવારનું મિલન ETV Bharat અને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી ધૃતીએ આભાર વ્યક્ત કર્યો હતો.
લોકોને અંગ દાન કરવું જોઈએ
સૌથી અગત્યની વાત કરવામાં આવે તો નાનુભાઈ માંગુકિયાએ મૃત્યુ બાદ પોતાની કિડની દાન કરી છે. તેમના જ પૌત્ર જન્મથી એક કિડની પર જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ અંગે તેમના પુત્રવધૂ કિરણ માંગુકિયાએ જણાવ્યું હતું કે, મારા સસરા બ્રેનડેડ થયા હતા, ત્યારે અમે તેમના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આજે અમને ખુશી છે કે તેમના અંગદાનથી લોકોને જીવનદાન મળ્યું છે. અમે ધૃતિને મળવા ઈચ્છી રહ્યા હતા. ચાર વર્ષમાં પ્રથમવાર તેને જોઈ છે અને આનંદની લાગણી છે. મારો પુત્ર માત્ર એક કિડની પર જીવન નિર્વાહ કરી રહ્યો છે. જેથી અમે સમજી શકીએ છીએ કે, કિડની જેવું અંગ લોકોના જીવન માટે કેટલુ જરૂરી છે. લોકોને અંગ દાન કરવું જોઈએ આ જ મારો સંદેશ છે.
પરિવારના કોઈપણ સભ્યની ધૃતિને કિડની આપી શકે તેવી સ્થિતિ નહોતી
ધૃતી એ જણાવ્યું હતું કે, બીજી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટની જ્યારે વાત આવી, ત્યારે પરિવારના કોઈપણ સભ્યની મને કિડની આપી શકે તેવી સ્થિતિ નહોતી. ત્યારે આવી વિકટ પરિસ્થિતિથી પસાર થતા મને લાગ્યું કે, અંગદાન કેટલું જરૂરી છે. હું લોકોને માત્ર આટલું જ કહીશ કે લોકો અંગદાન કરે જેથી અન્ય જરૂરિયાત મંદ લોકોને નવુ જીવનદાન મળી શકે.