- રિપોર્ટ GPCBને મોકલવામાં આવશે
- મૃત માછલીઓ તણાઈ આવતા લોકો પકડવા દોડ્યા
- મોટા ભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓ લઇ ગયા હતા
બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા હતા. મોટી સંખ્યામાં મૃત માછલાં નદીમાં તણાય આવતા લોકો પકડવા માટે એકત્રિત થઈ ગયા હતા. બે દિવસથી બારડોલીના નીણતથી અમાલસાડીને જોડતી મિઢોળા નદીમાંથી મૃત માછલાંઓ મળી રહ્યા છે. હાલ વહીવટી તંત્ર દ્વારા આ મામલે સ્થળ પર પંચક્યાસ કરી GPCB(ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દર વર્ષે મીંઢોળા નદીમાં કેમિકલ યુક્ત પાણીને કારણે અનેક માછલાંના મોત થાય છે
દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપરવાસમાં આવેલી કોઈ ફેકટરીમાંથી વારંવાર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ મોતને ભેટે છે. કેમિકલ વાળા ઝેરીલા પાણીને કારણે અસંખ્ય માછલીઓ મરી જાય છે. બે દિવસથી બારડોલીના નિણત ગામેથી પસાર થતી મિઢોળા નદીમાં કોઈક જગ્યાએથી કેમિકલયુક્ત ગંદુ પાણી આવવાથી નદીના જળચર પ્રાણીઓનો જીવ જોખમમાં મુકાયો હતો.
આ પણ વાંચો: વલસાડના તીથલ દરિયા કિનારે મૃત ડોલ્ફિન દેખાતા કૂતુહલ સર્જાયું
લોકો ખાવા માટે માછલી પકડી જતા આરોગ્ય સામે જોખમ ઉભું થયું
નદીમાંથી મૃત માછલાં મળી આવતા નદીના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા. નીણત ગામે નદીમાંથી મળી આવેલી મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા લોકોના આરોગ્યને જોખમ ઉભું થવાની સંભાવના સેવાઇ રહી છે. મોટા ભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓ લઇ ગયા હતા. મહત્વની વાત તો એ હતી કે સવારથી નદીમાંથી મૃત માછલાં મળી રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર અજાણ બન્યું હતું. સ્થાનિકો દ્વારા બારડોલી વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક GPCBને પણ જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કિમ્બુવા નજીક વડ નીચેથી 100 જેટલા મૃત કાગડાના મળી આવ્યા
6 મહિના પહેલા પણ બની હતી આવી જ ઘટના
6 મહિના અગાઉ પણ બારડોલી તાલુકામાં આ જ પ્રકારની ઘટના બની હતી. છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા નદીમાં સતત દૂષિત અને કેમિકલ વાળુ પાણી આવી રહ્યું છે. ત્યારે ફરી વાર દૂષિત પાણી આવતા માછલાંઓ મરી જતા તંત્ર કેટલી નક્કર કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
મામલતદાર કચેરીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી
આ અંગે બારડોલીના મામલતદાર જિજ્ઞા પરમારે જણાવ્યું હતું કે, નીણત ગામ નજીક મીંઢોળા નદીમાંથી મૃત માછલાં મળી આવ્યા હોવાની જાણ થતાં જ અમારી એક ટીમ સ્થળ પર પહોંચી હતી અને પંચકયાસ કર્યો હતો. ગામના સરપંચ અને અન્ય વ્યક્તિના જવાબો લઈ રિપોર્ટ તૈયાર કરી જી.પી.સી.બી.ને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.