સુરત: સ્માર્ટ સિટી, સ્વચ્છ સીટી બાદ હવે સુરત ખાડા સિટી બની ગઈ છે, કારણ કે શહેરમાં હવે જ્યાં પણ નજર જાય ત્યાં રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બાદ સુરતના રસ્તાઓ ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ? તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર મસમોટા ગાબડામાં વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર ડૉ. જગદીશ પટેલ આ માટે કોરોના કાળને જવાબદાર ગણાવી રહ્યા છે.
હાલ જ દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનો બીજો ક્રમ આવ્યો છે પરંતુ સુરતીલાલાઓ આ સિદ્ધિની ઉજવણી કરે તે પહેલા જ ઉબડખાબડ રોડ રસ્તાઓેએ તેમને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. જીવના જોખમરૂપ ખાડાઓમાં વાહનો પલટી ખાઇ જવાના પણ અનેક બનાવ સામે આવી રહ્યા છે. હાલમાં જ કતારગામ વિસ્તારમાં ગાબડાના કારણે ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. પરંતુ આ તંત્ર માટે આ કોઈ મોટી વાત નથી. સુરત મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું છે કે દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં વરસાદને ધ્યાનમાં રાખી કાર્પેટિંગ અને રી-કાર્પેટિંગની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ કોરોનાના કારણે આ વખતે મજૂરો મળ્યા નથી અને આ જ કારણે તમામ રિપેરીંગની કામગીરી અટવાઇ ગઇ છે. મેયર ડૉ. જગદીશ પટેલના જ વોર્ડમાં જ તૂટેલા રોડથી લોકો હેરાન-પરેશાન થયા છે. પહેલા કોરોના, ત્યારબાદ પૂર અને હવે તૂટેલા રસ્તાનો માર સુરતવાસીઓ ઝેલી રહ્યા છે.
આ અંગે ETV ભારત દ્વારા મેયર ડૉ. જગદીશ પટેલ સાથે વાતચીત કરવામાં આવતા તેમણે આશ્વાસન આપ્યું છે કે શહેરના તમામ રસ્તાઓ રિપેરીંગ કરવામાં આવશે જો કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરીંગ ન કરવામાં આવે તો પાલિકા કોન્ટ્રાક્ટર પાસેથી ચાર્જ વસુલશે.
જો કે મેયરની આ દલીલને કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરીયાએ તદ્દન ખોટી ગણાવી હતી અને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં તેમણે પોતે બાઇક પર બેસીને તમામ રસ્તાઓનો સર્વે કરી એક રિપોર્ટ પાલિકાને આપ્યો હતો અને SOP તૈયાર કરીને રસ્તાઓ રીપેરીંગ કરવા તાકીદ કરી હતી. ભ્રષ્ટાચારના કારણે જ રસ્તા ઉપર ગાબડા પડયા છે જેનું પરિણામ પ્રજાજનો ભોગવી રહ્યા છે.
- સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ, ETV ભારત