- કોરોનાનો ફેઝ-2, ફેઝ- 1 કરતા પણ વધુ ઘાતક રહેશે
- IMAના પૂર્વ પ્રમુખે સરકારને તેમજ લોકોને આપી ચેતવણી
- ફેઝ-2ની અસર બે મહિના સુધી રાજ્યમાં જોવા મળી શકે
સુરતઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકારે મહાનગરોમાં નાઈટ કરફ્યૂ પણ અમલમાં મુક્યો છે.
સરકાર અને લોકોને એલર્ટ રહેવું જરૂરી
ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ચંદ્રેશ જરદોશે ETV ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેઝ 1 કરતા ફેઝ-2માં કોરોના વધુ ઘાતક છે. જેથી સરકાર અને લોકોને એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે.
આગામી દિવસોમાં કોરોનાના કેસમાં ભારે વધારો થઇ શકે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં કોરોનાના કેસમાં ભારે વધારો થઇ શકે છે. સુરતમાં દરરોજના આંકડા 300થી વધુ પહોંચી શકે છે. ફેઝ-2ની અસર બે મહિના સુધી રાજ્યમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમા કોરોનાના નવા 1495 કેસ નોંધાયા, 1167 ડિસ્ચાર્જ, 13 મોત
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. 24 કલાકમાં નવા 1495 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 1,97,412 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 13 દર્દીના મોત થયા છે. આજે 1167 દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં આજે કોરોના દર્દીઓનો આંકડો 300 પાર પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત : બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બોપલ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ કુલ 304 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 1150 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યૂનો બીજો દિવસ, જુઓ અવકાશી દ્રશ્યો
રાજકોટ શહેરના લોકો સ્વેચ્છાએ રાત્રે 9 કલાક પહેલા કામ ધંધા બંધ કરીને ઘરમાં બેસી ગયા છે અને કરફ્યૂના અમલમાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરના રાત્રિ કરફ્યૂના આકાશી દ્રશ્યોમાં રોડ-રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે.