- કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ
- 39 વર્ષીય એનેસ્થેટીસ્ટ ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કર્યું
- ડૉ. સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યા હતા
સુરત: કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. ત્યારે 2020ના વર્ષમાં કોરોનાના પ્રથમ ફેઝમાં 100 દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલા સુરતના 39 વર્ષીય એનેસ્થેટીસ્ટ ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કર્યું હતું. કોરોના વોરિયર ડૉ. સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યા હતા, ત્યારે તેઓ બાપ્સ હોસ્પિટલમાં ICUમાં ઓક્સિજન પર હોવા છતાં બાજુના અન્ય ગંભીર દર્દીને ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો. ઈન્ટ્યુબેશન એ મોં અથવા નાક દ્વારા એરવે (શ્વાસનળી)માં વેન્ટીલેટરની ફ્લેક્સિબલ નળી દાખલ કરવાની પ્રક્રિયા છે. ઓક્સિજનનું લેવલ ઘટે ત્યારે વેન્ટિલેટરની સહાયથી બાહ્ય શ્વાસ પૂરો પાડવામાં આવે છે. વેન્ટિલેટર આંતરડાને શ્વાસ લેવા માટે સક્ષમ કરીને શ્વાસને ટેકો આપવાનું કામ કરે છે. તેમના આ કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ હતી. તેમના સમયસૂચકતાભર્યા પગલાંથી ગંભીર દર્દીનો જીવ તો બચી ગયો હતો, પરંતુ ડો.સંકેત મહેતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી એરલિફ્ટ કરી એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
100 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોના સામે જંગ જીતી હતી
સુરતના પાલ વિસ્તારમાં રહેતા અને લાઈફલાઈન હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે ફરજ નિભાવતા ડૉ.સંકેત મહેતાએ જણાવ્યું હતું કે, કોવિડના પહેલાં ફેઝમાં સંક્રમિત થયો ત્યારે મેં કોરોના સામે જીવનમરણનો સંઘર્ષ કર્યો હતો. બાપ્સમાં વેન્ટીલેટર પર રહ્યો, પણ સ્થિતિ ન સુધરતા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO પર રાખવામાં આવ્યો હતો. સુરતમાં દોઢ મહિનો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દોઢ મહિનો ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદ્દનસીબે 100 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોના સામેનો જંગ જીતી ગયો હતો. એક તબીબ હોવાના નાતે મને ખ્યાલ છે કે જિંદગી કેટલી કિંમતી હોય છે. આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવનરક્ષક બને છે. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવાની અપીલ તેમણે કરી હતી.
આ પણ વાંચોઃ ડૉક્ટર પિતાએ પુત્રીના પ્રથમ જન્મદિવસ પર પ્લાઝમા દાન કર્યું
ઓક્સિજન માસ્ક હટાવી દર્દીને ઈન્ટ્યુબેશન કરાવ્યું હતું
ડૉ.સંકેતની કોરોનાની સારવાર દરમિયાન પડછાયાની જેમ સાથે રહેલા એનેસ્થેટીસ્ટ ડો.જયેશ ઠકરારે પણ આજે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. સુરત એનેસ્થેટીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો.જયેશ ઠકરારે જણાવ્યું હતું કે, કોવિડના પહેલાં ફેઝમાં ડો.સંકેતે બાપ્સ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં અન્ય ગંભીર દર્દીનો જીવ બચાવવા ઉભા થઈને પોતાનું હાઈ લેવલ ઓક્સિજન માસ્ક હટાવી દર્દીને ઈન્ટ્યુબેશન કરાવ્યું હતું. ઈન્ટ્યુબેશન માત્ર એનેસ્થેટીસ્ટ ડૉક્ટર જ કરી શકે છે. આ પ્રેરક કદમથી 10 મિનિટ સુધી તેઓ ઓક્સિજન વિના રહ્યાં હતાં, જેથી તેમની શારીરિક હાલત વધુ કથળી હતી. ત્યારબાદ ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી ચેન્નાઈ એરલિફ્ટ કરાયા હતાં. એક સમયે તેમને લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી દેશભરમાં માત્ર ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં જ લંગ ટ્રાન્સપ્લાન્ટ થતું હોવાથી અદ્યતન એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO અને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઈ લઈ જવાયા હતા. પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો આવતાં લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી ન હતી.
આ પણ વાંચોઃ કરીમ મોરાનીની પુત્રી ઝોયા મોરાનીએ બીજી વાર પ્લાઝમા દાન કર્યું
મહેતાએ અન્ય દર્દીનો જીવ બચાવીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો
નવી સિવિલ બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો. મયુર જરગે જણાવ્યું હતું કે, પ્લાઝમા ડોનેટ કરનારા ડૉ. સંકેત મહેતાએ અન્ય દર્દીનો જીવ બચાવીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. કોઈ પણ પ્રતિકુળ સંજોગોનું નિર્માણ થાય તો પણ ડૉકટરો પોતાનો તબીબી ધર્મ નિભાવવામાં પીછેહઠ કરતા નથી એ ડૉ.સંકેતે સાબિત કર્યું હતું. હવે ફરી એક વાર પ્લાઝમા દાન સ્વરૂપે તેમણે પોતાની નૈતિક ફરજ નિભાવી છે. ડૉ. સંકેતના પરિવારમાં પત્ની, એક પુત્રી અને પિતા છે, જેમણે પણ પ્લાઝમા ડોનેટ કરવાં તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વેક્સિન લીધી હોય તેવા લોકો 30 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે
નવી સિવિલ બ્લડ બેંકના ઈ.ડૉ.મયુર જરગે જણાવ્યું કે, હાલ કોરોનાનો બીજા તબક્કો ગંભીર છે, ત્યારે વધુમાં વધુ લોકો પ્લાઝમાનું દાન આપે તે જરૂરી છે. જે વ્યકિત 28 દિવસ પહેલા કોવિડથી સ્વસ્થ થયા હોય ઉપરાંત જે વ્યકિતએ વેકસીન લીધી હોય તેઓ 30 દિવસ બાદ પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. આ માટે આસિ.પ્રોફેસર ડો.જિતેન્દ્ર પટેલ, બી.ટી.ઓ. સંગીતા વિઠલાણી, કાઉન્સેલર કાજલ પરમહંસ સેવાઓ આપી રહ્યા છે.