- RT-PCR ટેસ્ટ કીટની વિશ્વસનીયતા પર ઉઠ્યા સવાલો
- નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સીટી સ્કેનમાં સંક્રમણ જોવા મળ્યું
- સંખ્યાબંધ લોકોનો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોઝિટિવ આવ્યો
સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે RT-PCR ટેસ્ટ માટે ધસારો જોવા મળ્યો હતો, પરંતુ અનેક કિસ્સાઓમાં RT-PCRમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે RT-PCR કીટને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે.
ટેસ્ટ બાદ 3 દિવસ સુધી ફોન ન આવતા લોકો રિપોર્ટ નેગેટિવ હોવાનું સમજી બેસે છે
સરકારી હોસ્પિટલમાં થતા કોરોના RT-PCR ટેસ્ટ સમયે લોકોને જણાવી દેવામાં આવે છે કે, જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તમને કોલ કરીને જાણ કરવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ હશે તો કોલ નહીં આવે. ટેસ્ટ થયાના 3 દિવસ સુધી ફોન ન આવતા લોકો સમજી જતા હોય છે કે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે. પણ ઘણા કેસમાં કોરોનાના લક્ષણો અને તાવ હોવાના કારણે જ્યારે લોકો સીટી સ્કેન કરાવે છે, ત્યારે ખબર પડે છે કે તેઓ કોરોના પોઝિટિવ છે અથવા તો બીજી વખત RT-PCR ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડતી હોય છે કે, તેઓ પોઝિટિવ છે.
- કેસ નંબર 1 - 76 વર્ષીય સત્યનારાયણભાઈ દ્વારા જ્યારે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે તેમને 3 દિવસ સુધી ફોન ન આવતા પરિવારજનોને લાગ્યું હતું કે, તેઓ નેગેટિવ છે. જોકે, તાવ સહિત કોરોનાના સમાન્ય લક્ષણો જણાતા પરિવારના સભ્યોએ સીટી સ્કેન કરાવ્યું હતું. જેમાં તેમને 26 ટકા સંક્રમણની અસર જોવા મળી હતી.
- કેસ નંબર 2 - 27 વર્ષીય દિવ્યેશ લાડના માતા પિતા બન્ને કોરોના પોઝિટિવ આવ્યા હતા. બન્નેની સારવાર દરમિયાન તેને પણ તાવ અને કોરોનાના લક્ષણો દેખાતા તેણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે નેગેટિવ આવ્યા બાદ તેણે RT-PCR કરાવ્યો હતો. તેમને હેલ્થ સેન્ટર પરથી જણાવાયું હતું કે, 24 કલાકમાં ફોન કરીને જાણ કરવામાં આવશે અને જો ફોન નહીં આવશે તો તેઓ નેગેટિવ હશે. બે દિવસ સુધી ફોન ન આવતા તેમણે સીટી સ્કેન કરાવ્યું હતું . જેમાં તેમને 15 ટકા સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું.
ઝિન લોકેશનના કારણે 2 જુદી જુદી લેબમાં અલગ રિપોર્ટ આવી શકે
સુરતમાં 5 પૈકી 1 માઈક્રો કેર લેબમાં RT-PCR ટેસ્ટ થાય છે. ત્યાંના ડોક્ટર ધનજી રાજાણીએ કીટની ગુણવત્તા અંગે જણાવ્યું હતું કે, અમે ગાઇડલાઇન મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર મહિને 5 નેગેટિવ અને 5 પોઝિટિવ સેમ્પલ મોકલતા હોઈએ છે. ICMR અને WHOએ ક્વોલિટી કન્ટ્રોલ માટે નવી સિસ્ટમ ડેવલપ કરી છે. તેઓ પણ 6 મહિના અથવા તો વર્ષ દરમિયાન સેમ્પલ મોકલતા હોય છે. અમે પ્રશિક્ષિત લેબ ટેક્નિશિયન રાખ્યા છે. ઘણીવાર સેમ્પલ નેગેટિવ આવવા પાછળનું કારણ સારી રીતે સેમ્પલ કલેકશનમાં ગડબડી હોઈ શકે છે. 1થી 7 દિવસ દરમિયાન સંક્રમણ વધારે હોય છે, પરંતુ 7 દિવસ બાદ જ્યારે સેમ્પલ લેવામાં આવે તો પણ સંક્રમણ ઓછું થવાના કારણે રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. જ્યારે અલગ-અલગ લેબમાં અલગ અલગ સેમ્પલના ઝિંક ટેસ્ટ કરાતા હોય છે. શક્ય બની શકે કે, એક લેબમાં નેગેટિવ આવ્યો હોય અને બીજા લેબમાં આ જ વ્યક્તિનો પોઝિટિવ આવે તો તે ઝિંન લોકેશનના કારણે બનતું હોય છે.
સ્ટેન્ડર્ડાઈઝ કરીને વપરાશ કરવામાં આવે છે
અગાઉ કોરોના ટેસ્ટિંગ માટેની 1 કિટની કિંમત 1100 હતી, પરંતુ બજારમાં અનેક RT-PCR કીટ આવવાના કારણે કીટ સસ્તી મળવા લાગી છે. તેની ગુણવત્તાને લઈને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ત્યારે આ અંગે સુરતના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરત ખાતે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ સહિત શહેરની 5 પ્રાઇવેટ લેબમાં RT-PCR ટેસ્ટ કરાવાય છે. આ તમામ સંસ્થાઓ ICMR પ્રમાણિત છે. RT-PCR ટેસ્ટ માટે જે કીટ વાપરવામાં આવે છે. તે ICMR દ્વારા અધિકૃત હોય છે. સ્મીમેર હોસ્પિટલમાં 'હોઈ' કંપનીની કીટ વપરાય છે. જેનો સપ્લાય JMCL દ્વારા થાય છે. જ્યારે પણ આ કીટનો વપરાશ શરૂ કરવામાં આવે છે. ત્યારે તેને સ્ટેન્ડર્ડાઈઝ કરીને વપરાશ કરવામાં આવે છે . જેથી રીઝલ્ટ ક્વોલિટી ચેક થયા બાદ વ્યવસ્થિત રીતે મેન્ટેઇન રહે.