- પશ્ચિમ બંગાળ હિંસાના વિરોધમાં યોજયો ધરણા કાર્યક્રમ
- ભાજપના નેતાઓ પાસેથી પોલીસ અધિકારી હાય હેલો કરી રવાના
- કોરોનાનું જાહેરનામું હોવા છતાં યોજાયો કાર્યક્રમ
બારડોલી: બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રાજકીય, સામાજિક સહિતના મેળાવડા અને કાર્યક્રમો ન યોજવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં, બારડોલી પોલીસના અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની જગ્યાએ કાર્યક્રમ સ્થળે નેતાઓને હાથ મિલાવતા લોકોમાં પણ પોલીસની બેધારી નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા
જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ભયાનક
સમગ્ર રાજ્ય કોરોનાના અજગર ભરડામાં સપડાયું છે. અનેક લોકોને સમયસર સારવાર નહીં મળવાથી અકાળે મોતને ભેટી રહ્યા છે. એવી જ સ્થિતિ સુરત જિલ્લાની પણ જોવા મળી રહી છે. ઑક્સીજનની અછત, હોસ્પિટલોમાં બેડ નહીં મળવા, એમ્બ્યુલન્સનો અભાવ સહિતની અનેક સમસ્યાથી જિલ્લાની પ્રજા પીડાઈ રહી છે.
સંક્રમણને રોકવા ખુદ સરકારે જ રાજકીય કાર્યક્રમ પર લગાવ્યો છે પ્રતિબંધ
કોરોના વધુ ન વકરે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જે પૈકી, જાહેરનામું હવે 12મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં, લગ્નમાં 50 માણસોની મર્યાદા, અંતિમ વિધિમાં 20 માણસોની મર્યાદા ઉપરાંત અન્ય રાજકીય, સામાજિક, શૈક્ષણિક સહિતના કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, ભાજપ શાસકો પોતાની મનમાની મુજબ કાર્યક્રમો કરી જિલ્લામાં અફરાતફરી ફેલાવી રહ્યા છે. જેને જિલ્લા પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.
ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની આવી ત્યારે પોલીસ નતમસ્તક
ગત દિવસો દરમિયાન જે પોલીસ બારડોલીના સીનિયર સિટીઝન હૉલમાં લગ્ન પ્રસંગમાં કન્યાએ 2 હાથ જોડીને વિનંતી કરવા છતાં પોલીસ એકની બે થઈ ન હતી. તે જ પોલીસ આજે સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા ભાજપના ધરણાં પ્રદર્શનમાં નેતાઓને હાય હેલો કરીને જતી રહી હતી. રસ્તા પરથી પસાર થતાં સામાન્ય નાગરિકોએ પણ બારડોલી પોલીસની બેધારી નીતિ સામે રોષ ઠાલવ્યો હતો. સામાન્ય નાગરિકો માસ્ક વગર રસ્તા પરથી પસાર થતો હોય તો પોલીસ દ્વારા સ્થળ પર જ મોટી રકમ દંડ રૂપે વસૂલ કરી લેતા હોય છે. પરંતુ, આ જ પોલીસે જ્યારે ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની આવે ત્યારે નતમસ્તક થઈ જાય છે.
આ પણ વાંચો: પાટણ ભાજપના સન્માન સમારોહમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ભાજપના રાજકીય તાયફાથી પ્રજા પરેશાન
ભાજપ દ્વારા કરવામાં આવતા રાજકીય તાયફાઓને લઈ પ્રજા પણ પરેશાન થઈ ચૂકી છે. લોકોની વાત માનવામાં આવે તો હાલ પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા નિંદનીય છે. પરંતુ, તેની સામે ઑક્સીજન અને હોસ્પિટલોમાં બેડ વગર મરી રહેલા લોકોની પણ ચિંતા કરવાની હતી. જિલ્લામાં હાલત કફોડી હોવા છતાં ધરણાંમાં ઉપસ્થિત મોટા ભાગના નેતાઓ ભૂગર્ભમાં હતા. ચૂંટણી સમયે મત માંગવા જવામાં નહીં શરમતા નેતાઓ લોકોની મદદ કરવાનો વખત આવ્યો ત્યારે ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા. આ જ નેતાઓ હવે બંગાળ હિંસાના વિરોધ કરવા બહાર નીકળી આવ્યા તે કેટલા અંશે વ્યાજબી ગણાય તે અંગે પણ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.