સુરતઃ શહેર સહિત જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે શહેરના મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા તાત્કાલીક ધોરણે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઝોનના અધિકારીઓ, આરોગ્ય કમિશનર, ડેપ્યૂટી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરતમાં કોરોના બન્યો બેકાબૂ
- જિલ્લામાં કુલ કેસની સંખ્યા 4,838
- 650 જેટલા રત્નકલાકારો કોરોનાની ઝપેટમાં આવ્યા
- પરિસ્થિતિને ધ્યાને લઇ મનપા કમિશનરે યોજી તાકીદે બેઠક
- આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ રહ્યા હાજર
- હીરા ઉદ્યોગ બંધ કરવા અંગે થઇ ચર્ચા
મિટિંગ દરમિયાન, હાલ પરિસ્થિતિ ક્યાં પ્રકારની છે અને શું કરવું જોઈએ તે અંગેની તમામ અધિકારીઓ તથા આરોગ્ય કમિશનર પાસે માહિતી માંગી હતી. જેમાં આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા હીરા ઉદ્યોગ બંધ રાખવાનો સૂર ઉઠ્યો હતો.
બીજી તરફ હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં હીરાઉદ્યોગ બંધ નહીં કરવાની માગ છે. જો હીરાઉદ્યોગ બંધ કરવામાં આવશે તો લાખો લોકો બેરોજગાર બનશે. આજની તારીખમાં 2 લાખ જેટલા રત્નકલાકારોને હીરાઉદ્યોગે રોજગારી પૂરી પાડી છે, ત્યારે હીરાઉધોગમાં લોકો કડકપણે નિયમોનું પાલન કરે તે માટે 3 ટાઈમ ઉકાળો ફરજિયાત આપવા આવે. આ સાથે તમામ રત્ન કલાકારોને માસ્ક પણ ફરજિયાત પહેરવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારનો મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો નથી.
આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હીરા ઉદ્યોગ બંધ રાખવો કે કેમ તે અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે.