- ભાજપને કુલ 109 બેઠક મળી
- કોંગ્રેસને 5 બેઠક મળી
- અપક્ષ 2 બેઠક પર વિજેતા
સુરત: જિલ્લાની 4 નગરપાલિકામાં વર્ષ 2015ના પરિણામ કરતાં વર્ષ 2021ના પરિણામમાં ભાજપને મોટો ફાયદો થયો છે. બારડોલી નગરપાલિકાની વાત કરીએ તો વર્ષ 2015 દરમિયાન નગરપાલિકામાં 25 બેઠક ભાજપ પાસે હતી. કોંગ્રેસ પાસે 11 બેઠક હતી. હાલમાં 32 બેઠકો ભાજપે કબ્જે કરી છે. જેથી સીધો સાત બેઠકનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને 8 બેઠકનું નુકસાન થયું છે. એ જ રીતે કડોદરા નગરપાલિકામાં વર્ષ 2015 દરમિયાન ભાજપને 28માંથી 21 બેઠક મળી હતી. કોંગ્રેસને સાત બેઠક મળી હતી. વર્ષ 2021 દરમિયાન ભાજપને 27 બેઠક અને કોંગ્રેસને 1 બેઠક મળી છે, ત્યારે ભાજપને 6 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને 6 બેઠકનું નુકસાન થયું છે.
માંડવીમાં પણ કોંગ્રેસને પડ્યો ફટકો
માંડવી નગરપાલિકામાં વર્ષ 2015 દરમિયાન 24 બેઠકોમાંથી 18 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી હતી. હાલ 2021ની ચૂંટણીમાં માંડવીમાં ભાજપે 22 બેઠક કબ્જે કરી છે. કોંગ્રેસને એક બેઠક મળી છે. ભાજપને અહીં ચાર બેઠકનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસે 5 બેઠક ગુમાવી છે.
તરસાડીનગરમાં કોંગ્રેસે 4 બેઠક ગુમાવી
તરસાડીનગરમાં ભાજપને વર્ષ 2015 દરમિયાન 24 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 4 બેઠક મળી હતી. 2021માં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં હતાં અને ભાજપે તમામ 28 બેઠક કબજે કરતાં કોંગ્રેસને ચાર બેઠકનું નુકસાન થયું હતું. આમ જોવા જોઈએ તો તમામ ચાર નગરપાલિકામાં ભાજપને 21 બેઠકનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને 23 બેઠકોનું નુકસાન થયું છે. 2 બેઠક અપક્ષને ફાળે ગઈ છે.