- નાગોરી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ
- ગુજસીટોક હેઠળ આ ત્રીજો ગુનો નોંધાયો
- પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યા અને વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા ઉપર થયેલા જીવલેણ હુમલામાં આ ગેંગની સંડોવણી
સુરતઃ ટમેટા ગેંગ, લાલુ જાલિમ ગેંગ બાદ હવે અશરફ નાગોરી ગેંગ સામે સુરતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગનો મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમ્મદ ઈસ્માઈલ નાગોરી છે. તેની ગેગના કુલ 5 સભ્યો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. પાંચ પૈકી ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે મુખ્ય આરોપી અશરફ નાગોરી સહીત બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. આ ગેંગના મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી, વસીમ મુસ્તુફા કુરેશી અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદીન શેખની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગે સુરતના ચોકબજાર, કતારગામ, સલાબતપુરા ડીસીબી પોલીસ મથકમાં 12 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે.
ગેંગ સામે ગંભીર પ્રકારના નોંધાયા છે ગુના
આ ગેંગના 5 આરોપીઓ સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે. જેમાં મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરીએ છેલ્લા 10 વર્ષમાં ગંભીર પ્રકારના 12 ગુના, મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારીએ 2 ગુના, મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરીએ 2 ગુના, વસીમ મુસ્તુફાએ 2 ગુના અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી મોયુદીન શેખે 5 ગુના આચરેલા છે.
આરોપીઓ સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હતી
મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરી વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તથા વર્ષ 2020માં હદપારી કરવામાં આવી છે. મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારી વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી સામે વર્ષ 2015માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, વસીમ મુસ્તુફાના પણ પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે.
પોલીસ કમિશ્નરે આવા ગુનેગારોને ખુલ્લી આપી ચેતવણી
સુરત પોલીસ કમિશ્નર અજય કુમારે આવા ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, જો સુરત શહેરમાં કોઈ ગેંગ ગુના આચરશે તેઓની હવે ખેર નહીં. આ ઉપરાંત લોકોને પણ પોલીસ કમિશ્નરે અપીલ કરી છે કે આવા ગુનેગારોથી ડરવાની જરૂર નથી. આવા ગુનેગારો જો હેરાન કરતા હોય તો કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરી શકે છે.
આ વર્ષ સૌથી વધુ પાસા કરાયા
સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુનેગારો સામે કડક પગલા લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ માથાભારે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સુરતના ઇતિહાસમાં આજદિન સુધીના સૌથી વધુ પાસા કરવામાં આવ્યાં છે. જેમાં વર્ષ 2019માં 417 લોકોને અને વર્ષ 2020માં સૌથી વધુ 526 લોકોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દુર
ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી આ ગેંગ આતંક મચાવી રહી હતી. જેની સામે સુરત પોલીસ કમિશ્નરે લાલ આંખ તો કરી છે. પરંતુ આજદિન સુધી આ ગેંગના સાગરીતો પોલીસ પકડમાં આવ્યા છે. અશરફ નાગોરી પહેલા આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. લાલુ જાલીમને હજી સુધી પોલીસ પકડી શકી નથી. હાલમાં પણ અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, પરંતુ તે પોલીસ પકડથી દૂર છે. ત્યારે મુખ્ય આરોપીઓને પણ પોલીસ તાત્કાલિક ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.