- સમુદ્રની લહેરોની મકાનનું એલિવેશન બનાવવામાં આવ્યું
- સુરતના એક મકાનમાં ઈંટો જોવા તરતી મળે છે
- ફ્લોટિંગ બ્રિકને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો
- વર્લ્ડ વાઈડ કેટેગરીમાં વિશ્વના 8 દેશોની પસંદગી કરાઈ
સુરત : સુરતના એક મકાનમાં ઈંટો તરતી નજરે જોવા મળે છે. આ અદભુત કારીગરીના કારણે મકાનની બહાર બનાવવામાં આવેલા એલિવેશનની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ છે. પ્રથમ વાર જ્યારે લોકોની નજર આ મકાન પર પડે છે, ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઇ જાય છે કે ,કેવી રીતે આ ઈંટોને હવામાં તરતી મુકવામાં આવી છે. ઇંગ્લેન્ડ ખાતે બ્રિક્સ ડેવલપમેન્ટ એસોસિએશન ( Brick Development Association )માં સુરતના આર્કિટેક આશિષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
જોતા જ લાગે કે ઈંટો હમણા જ પડી જશે
આમ તો જ્યારે મકાન બનાવવામાં આવતું હોય છે, ત્યારે બન્ને ઈંટોને જોડવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે, જેથી દિવાલ પાકી બની રહે અને મજબૂતાઈથી ઉભી રહે, પરંતુ સુરતના કોસાડ વિસ્તાર ખાતે આવેલા એક મકાનમાં બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ જોવા મળે છે. આ અદભૂત નજારો જોઇ લોકોને લાગે છે કે ઈંટો હવામાં તરી રહી છે. તમામ ઈંટો એક જ લાઇનમાં નહી, પરંતુ ઈંટો સમુદ્રની લહેરોની જેમ ઉપર નીચે હોય તેમ લાગે છે. આ જ કારણ છે કે એને ફ્લોટિંગ બ્રિક્સ કહેવાયું છે. લોકોને જોઈને લાગે છે કે હવે ઈંટો પડી જશે. પરંતુ ઈંટો મજબૂતાઈથી રાખવામાં આવી છે.
![સુરતના આર્કિટેક્ટનો બ્રિક પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરાયો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratuniquebricksshotsandbyte_07082021181140_0708f_1628340100_1009.jpg)
શું છે આ એવોર્ડ ?
આ કમાલ સુરતના આર્કિટેક્ટ આશિષ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેની નોંધ વિશ્વભરના લોકો લઇ રહ્યા છે. સુરતના કોસાડ વિસ્તાર ખાતે તેઓએ આ એલિવેશનની ડિઝાઇન કરી છે. ઇંગ્લેન્ડ ખાતે બ્રિક મેનજમેન્ટ એસોસિએશન દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઇંટનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ટ દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. આ સ્પર્ધાના માપદંડ મુજબ યોગ્ય રીતે રહેણાંક, વ્યવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં ઇનોવેટિવ બ્રિક વર્ક કરનારાઓને બ્રિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
![સુરતના આર્કિટેક્ટનો બ્રિક પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરાયો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratuniquebricksshotsandbyte_07082021181140_0708f_1628340100_474.jpg)
ભારતથી માત્ર સુરતના આર્કિટેક્ચરના પ્રોજેક્ટની પસંદગી
ભારતમાંથી માત્ર સુરતના આર્કિટેક આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવેલા તૈયાર ફ્લોટિંગ બ્રિકને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આશિષ પટેલ દ્વારા સુરતના અમરોલી કોસાડ નજીક નિર્માણ કાર્યને પ્રોજેક્ટ તરીકે મોકલવામાં આવ્યો હતો, જેની પસંદગી કરવામાં આવી છે. આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના 3 પ્રોજેક્ટ અને સ્વિઝરલેન્ડ તેમજ ઈરાનના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. 10 નવેમ્બરના રોજ પસંદગી પામેલી બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડીંગનો એવોર્ડ લંડન ખાતે યોજાનારી એવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે.
![સુરતના આર્કિટેક્ટનો બ્રિક પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરાયો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratuniquebricksshotsandbyte_07082021181140_0708f_1628340100_1041.jpg)
લાલ ઈંટને વાપરીને એલિવેશન કરાયું
આશિષ પટેલે જણાવ્યું હતું કે, લગભગ 18 વર્ષથી અમે સુરતમાં આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. અમે એક નિર્મિત બિલ્ડિંગ પર આ એલિવેશન તૈયાર કર્યું છે, લાલ ઈંટને વાપરીને આખું એલિવેશન તૈયાર કરવામાં આવ્યું છે. અમે બ્રિક મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા આયોજિત સ્પર્ધામાં વર્લ્ડવાઇડ કેટેગરીમાં એને મોકલ્યું હતું. આ કેટેગરીમાં વિશ્વના કોઈપણ ફોર્મ દ્વારા બ્રિક્સનો ઇન્વેટિવ બનાવ્યા હોય તેવા પ્રોજેક્ટ મોકલવામા આવતા હોય છે એમાં અમારો પ્રોજેક્ટ નોમિનેટ થયો છે. કુલ 8 પ્રોજેક્ટ સિલેક્ટ થયા છે જેમાંથી એક ભારતનો છે.
એલિવેશન જોઈને લાગે છે તમામ ઈટો હવામાં
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જે પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો છે તે એલિવેશન છે, અમે દરિયાની લહેરની જેમ ઇંટની ડિઝાઇન કરી છે. ઈંટ હવામાં છે એવું લાગશે, આ માટે અમે પાછળ લોખંડની જાળી બનાવી છે. જેમાં બ્રિક્સ ઇન્સર્ટ કરવામાં આવી છે. આથી, જાળી દેખાતી નથી, પરંતુ એલિવેશન જોઈને લાગે છે કે, તમામ ઈટો હવામાં તરી રહી છે. જેનું ઘર છે તે અમારા કોન્ટ્રાક્ટર છે અને ઈંટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હર્ષદ પરમાર ઈચ્છતા હતા કે, કશું નવું કરવું છે જેના કારણે આ કોન્સેપ્ટ ધ્યાને આવ્યો હતો.