સુરત : કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો રોજગાર માટે ફરી સુરત આવી શકે તેવા હેતુથી ઓડિશાથી સુરતની 3 ટ્રેનની જાહેરાત કરી છે. ટ્રેનની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં ત્રણેય ટ્રેનનું બુકિંગ એક મહિના માટે ફૂલ થઈ ગયું છે. 24 કલાકમાં બુકિંગ ફુલ થતા ટ્રેન 15મી ઓક્ટોબર સુધીની ટ્રેનમાં કોઈ જગ્યા બચી નથી.
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે. આ 3 ટ્રેન એક મહિના માટે ફૂલ થઇ ગઇ છે, જ્યારે જે ગાઇડલાઇન પ્રમાણે 700 લોકો ટ્રેનમાં આવી શકતા હતા, તેની જગ્યાએ હવે 1200 લોકો ટ્રેનમાં આવી શકશે. શ્રમિકોના આવવાથી ઉદ્યોગને વેગ મળશે.
દક્ષિણ ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં 80 ટકા શ્રમિકો ઓડિશાના ગંજામ અને બહેરામપુર જિલ્લાના વતની હોવાથી તેમને સુરત પરત લાવવા માટે સુરત અને પુરી (ઓડિશા) વચ્ચે દોડતી ટ્રેન નં. 22827 (પુરીથી સુરત), 12844 (પુરીથી અમદાવાદ), 12994 (પુરીથી ગાંધીધામ) અને 18401 (પુરીથી ઓખા)ને શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો આ ટ્રેનો શરૂ ન કરવામાં આવે તો પુરીથી સુરત માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ત્રણ સ્પેશિયલ ટ્રેન ઓડિશા સુધી દોડશે
દેશ સહિત રાજ્યમાં અનલોકની પ્રક્રિયામાં ધીમે-ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂર્વવત થઇ રહી છે. ત્યારે રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરથી ભારતના જુદા-જુદા રાજ્યમાં સ્પેશિયલ 80 ટ્રેન દોડાવવાનું શરૂ થશે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા પણ 12 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ગુજરાતને 4 ટ્રેનો મળી છે. હવે તેમાં વધુ 3 સુપરફાસ્ટ ટ્રેનનો ઉમેરો કરવામાં આવ્યો છે.