સુરતઃ શહેરના એક ઑક્સિજનની બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો.
સુરતના ઉઘના રોડ નંબર-9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાય માટેનું ગોડાઉન આવેલું છે. આજે મંગળવારે એકાએક આ ગોડાઉનમાં ઓકિસજનની બોટલમાં બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ છવાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તથા ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતા. ફાયરની ટીમ દ્વારા સૌ પ્રથમ બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો અને અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસડવામા આવ્યા હતા.
બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસની દુકાનોની દિવાલ પણ તૂટી ગઇ હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાંથી ઓકિ્સજનની બોટલો પણ બહાર કાઢી હતી. જો કે, આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયુ નથી.