- સુરત મહાનગરપાલિકાની ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે
- 5 વર્ષ દરમિયાન 8000 કરોડના કામો મંજૂર થયા-ભાજપ
- કોંગ્રેસે ભાજપ પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
સુરત: મહાનગરપાલિકાના પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતા ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે પ્રજાને લોભાવવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા દરેક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપ જ્યારે પાંચ વર્ષ દરમિયાન શહેરમાં કરવામાં આવેલા કાર્યો પ્રજા સામે મુકશે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ વિપક્ષમાં આ કામોને કઈ મુદ્દા અને કઈ રીતે વિરોધ કરવામાં આવ્યા તે પ્રજા સામે રાખશે. એક તરફ પાંચ વર્ષ દરમિયાન 8000 કરોડથી પણ વધુ વિકાસના કામો પ્રજા સામે ભાજપ દ્વારા રાખવામાં આવ્યા. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ આ કામોને પ્રજાલક્ષી નહીં ગણાવી ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ પ્રજા સામે રાખવાની તૈયારી કરી છે.
પાંચ વર્ષની ટર્મ સંપૂર્ણ રીતે નિર્વિવાદ નિષ્કલંક અને વિકાસના કાર્યો અવિરત ચાલુ રાખવાની કામગીરી
પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષની ટર્મ સંપૂર્ણ રીતે નિર્વિવાદ નિષ્કલંક અને વિકાસના કાર્યો અવિરત ચાલુ રાખવાની કામગીરી કરવામાં આવી. કોવિડ 19 જેવી મહામારી હોવાના કારણે જ્યારે દેશ, દુનિયા, આપણા રાજ્ય એની સામે ઝઝૂમી રહ્યું હતું તો પણ વિકાસના કાર્યોની ગતિ ઓછી નહિ થવા દીધી અને સમાંતર પણે કોરોના સામેની લડાઈમાં નગરજનોને એમાંથી વધુમાં વધુ સુરક્ષિત કેવી રીતે રાખી શકાય તેવા પ્રયાસો થયા. સારવાર સાથે વધારાની તમામ કામગીરી સામે આવી હોવા છતાં પણ સુરત મહાનગર પાલિકાએ તમામ મોરચે શ્રેષ્ઠ પરફોર્મન્સ કરીને નગરજનો માટે જે કંઈ પણ પ્રયાસો કર્યા છે સંતોષજનક છે.
લોકો અમને મત આપશે-કોંગ્રેસ
કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષ રાયકાએ જણાવ્યું હતું કે, પાલિકામાં ભાજપ શાસકોનું શાસન ચોક્કસપણે નિષફળ ગયું છે તે કહી શકાય. તેઓ કરોડો રૂપિયાના કામ તો લાવે છે. પરંતુ તે મુંગેરીલાલના હસીન સપના જેવું છે. ખાસ કરીને મહાનગરપાલિકામાં વર્ષ 2006 પછી જે ગામડાઓ જોડાયા છે. તેને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે. હાલ જે નવા સીમાંકન મુજબ 27 ગામ અને બે નગરપાલિકા આપવામાં આવ્યા તેમના માટે કોઈ મોટા બજેટ નથી. વિપક્ષમાં જોરદાર વિરોધ કરીને જે પ્રજાવિરોધી તેઓએ કામો લાવ્યા હતા, તેવા કામોનો વિરોધ કોંગ્રેસે કર્યો છે. આગામી ચૂંટણીમાં આ જોઈ લોકો અમને વોટ આપશે અને બોર્ડ બનાવવાની તક આપશે.
પાંચ વર્ષ દરમિયાન સંતોષકારક કામગીરી થઈ નથી- કોંગ્રેસ
કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાઇકલ વાળાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન સંતોષકારક કામગીરી થઈ નથી, તે ભ્રષ્ટાચાર પણ મોટાપાયે થયો છે. જેની નિસપક્ષ તપાસ શાસક પક્ષો કે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી. એક્સપેરિમેન્ટલ શાળાની જમીન રીન્યુઅલ કરવાની ફાઇલ જ 20 વર્ષ સુધી ગાયબ હતી. તેનો વિવાદ સામે આવ્યો ત્યારબાદ સુરત ટેક્સટાઇલ માર્કેટ જેના બજાર ભાવ 500 કરોડથી પણ વધુ છે. સોનાની લગડી જેવી આ જમીનને માત્ર 127 કરોડ મહાનગરપાલિકાએ આપ્યો જેનો અમે જોરદાર વિરોધ પણ કર્યો. આ સાથે પાલિકાએ ઘણા બ્રિજો એવી જગ્યાએ બનાવ્યા છે જ્યાં તેનો કઈ ઉપયોગ નથી. તેમ છતાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તો બીજી બાજુ ટ્રેક્ટર કૌભાંડ, ખીચડી કૌભાંડ જેવા કૌભાંડ પણ સામે આવ્યા છે. આ પાંચ વરસ પારદર્શી રહ્યા નથી.