- સમિતિના સભ્ય માટે યોજાયેલી ચૂંટણીમાં હોબાળો
- ભાજપના 8 ઉમેદવારોની જીત થઈ
- એક AAPના ઉમેદવારની જીત થઈ, જ્યારે એક AAP પાર્ટીના ઉમેદવારની હાર થઈ
સુરત : મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. અપેક્ષિત મુજબ ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો. ભાજપના 8 ઉમેદવારોની જીત થઈ છે. આ હોબાળો મચી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. AAPના કોર્પોરેટરએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.
હારી જતા વિપક્ષ ગુંડાગીરી પર ઉતર્યું છે : શાસક પક્ષ
આ ચૂંટણીના પરિણામમાં આરોપ પ્રતિઆરોપ પણ લગાવવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા શાસકો બેલેટ પેપર લઈને ભાગી ગયા હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ શાસક પક્ષ દ્વારા આ તમામ આરોપોનું ખંડન પણ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે જણાવ્યું હતું કે, હારી જતા વિપક્ષ ગુંડાગીરી પર ઉતર્યું છે.
આ પણ વાંચો : 'અબકી બાર પેટ્રોલ-ડિઝલ 100ની પાર' હવે પાણીથી ચલાવો પોતાની કાર...
એક બેલેટ પેપર રદ કરાયું
મેયર હેમાલી બોધવાલાએ જણાવ્યું હતું કે, 9 પૈકી એક ઉમેદવારનું બેલેટ પેપર રદ કર્યું છે. ઓછામાં ઓછા 8 મત આપી શકાય છે, પરંતુ તેમાં 16 મત હતા. જેથી બેલેટ પેપર રદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરત જિલ્લાના સરભોણમાં દારૂ બંધ કરાવવા ગયેલા ટોળાં સામે હુલ્લડનો ગુનો નોંધાયો
એક માણસ બેલેટ પેપર લઈને ભાગી ગયો
બીજી તરફ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે બેલેટ પેપર અને મત ગણતરી જોવા માગી હતી, પરંતુ મેયરે અમને ચોખ્ખી ના કહી દીધી હતી. એમનો એક માણસ બેલેટ પેપર લઈને ભાગી ગયો હતો. અમે રજૂઆત કરી તો તેઓએ પોલીસ બોલાવી લીધી હતી. અમે કોઈ ગુંડા કે આતંકવાદી થોડા છીએ કે આવો વ્યવહાર કરવામાં આવે છે. ક્યાંકને ક્યાંક ભાજપના ઉમેદવારની હાર થાય છે. જેથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
દારૂ પાર્ટીમાં બેઠેલા રાકેશ ભીખડીયાની જીત
થોડા દિવસો પહેલા દારૂ પાર્ટીમાં બેઠેલા અને અપક્ષ તરીકે ઉભા રહેલા રાકેશ ભીખડીયાની જીત થઈ છે. તેઓને 98 મત મળ્યા હતા, જેથી તેઓ વિજયી થયા હતા. આમ કુલ 9 ઉમેદવારોની ચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમાં 7 બીજેપીના ઉમેદવારની જીત થઈ છે. એક અપક્ષના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે આપ પાર્ટીમાં ક્રોસ વોટિંગ થતા એક ઉમેદવારની હાર થઈ છે.
કોને કેટલા મત મળ્યા ?
- સંજય પાટીલ : 122 મત
- યશોધર ઠાકોરભાઈ દેસાઈ : 107 મત
- રાજેન્દ્ર ઇશ્વરલાલ પટેલ : 107 મત
- નિરંજના જાની : 106 મત
- શુભમ ઉપાધ્યાય : 106 મત
- રાકેશ હિરપરા : 110 મત
- અરવિંદ કકડીયા : 100 મત
- રાકેશ ભીખડીયા : 98 મત
- રમેશ પ્રભુભાઈ પરમાર : 95 મત (હાર)
કુલ 12 બેઠક હતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કુલ 12 બેઠક હતી. જેમાં અગાઉ 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા જ્યારે 8 ઉપર શુક્રવારે મતદાન થયું હતું. જેમાં 6 ભાજપના ઉમેદવાર એક અપક્ષ કે જે ભાજપ સમર્થક ઉમેદવાર છે, તેનો વિજય અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે એક AAP પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે.