- બાઈક સ્લીપ થયા બાદ ચાલક રેલિંગ પરથી ફંગોળાયો
- બ્રિજ પરથી નીચે જમીન પર પટકાતા ઘટનાસ્થળે જ મોત
- પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી
રાજકોટઃ રાજકોટનાં મોરબી રોડ પર આવેલા ઓવરબ્રિજની રેલિંગ સાથે બાઈક અથડાયા બાદ બાઈક ચાલક અચાનક ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયો હતો. જેમાં તેને માથા સહિત શરીરનાં અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે દરમિયાન તાત્કાલિક 108ની ટિમ પણ ઘટના આવી પહોંચી હતી. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળાં એકઠા થયા
શહેરના વેલનાથપરા નજીક આવેલ ઓવરબ્રિજ પરથી પૂજનરાજ નિલેશભાઈ ચાવડા નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનું બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન યુવાન ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનનું મોત થતા ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા.
બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી
આ ઘટનામાં યુવાનનું મોત થયા તાત્કાલિક શહેરનાં બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક રાજકોટનાં શ્રીનગર મેઈન રોડ ખાતે આવેલી આનંદ કોલોની નજીક રહે છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.