બારડોલી: 2જી ઓકટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પાવન અવસરે શહેરના આંગણે નાના ભૂલકાઓમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન કરતી સૂરત જિલ્લાની શ્રેષ્ઠ આંગણવાડી-તેડાગર બહેનોને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. શહેરની વિઠ્ઠલવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન આપતા ઈશ્વર પરમારે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્ર સ્વચ્છતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે જયાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને અપનાવીને દેશને નવી ઉચાઈએ લઈ જવાનો અનુરોધ કર્યો હતો.
રાજય સરકારે નાના ભુલકાઓને સાચવનારી બહેનોને માતા યશોદાનો દરજ્જો આપીને એવોર્ડ અર્પણ કરી તેઓનું સાચુ સન્માન કરી રહી છે. બાળકોને પૂરી મમતાથી સાચવણીની સાથે યોગ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવશે, તો આવનારી પેઢીના ઉત્થાનનું સાચું કાર્ય કર્યું કહેવાશે. રાજય સરકારે લોકભાગીદારી થકી કુપોષણની સામે લડવા માટે નવતર અભિયાન ઉપાડયું છે. બાળકોને કુપોષણ મુકત કરીને તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થાય તે માટે રાજય સરકાર સદા કટિબધ્ધ રહી છે.
અધિકારીતા પ્રધાને કહ્યું કે, કોરોના કાળ વચ્ચે આંગણવાડીની બહેનોએ અઢી લાખ માસ્ક બનાવીને વિતરણ, આઠ લાખ આઈએફએ ગોળીઓનું વિતરણ, આરોગ્ય સેતુ એપ્સ ડાઉનલોડ જેવી અનેકવિધ કામગીરી કરીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની છે. એક સાથે રાજયની પાંચ લાખ આંગણવાડીની બહેનો હાથ ધોવાનો રેકોર્ડ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. જીવનને સ્વસ્થ અને નિરોગી રાખવા હાથની સ્વચ્છતા જરૂરી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે હાથને સ્વચ્છ રાખવા જરૂરી છે. કોરોના મહામારી વચ્ચે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સુરતની શકિત ફાઉન્ડેશન દ્વારા સમગ્ર રાજયની 53 હજાર આંગણવાડીઓની બહેનો દ્વારા હેન્ડ વોશિંગ કેમ્પેઈન અંતર્ગત પાંચ લાખ બહેનોએ હાથ ધોવાનો રેકોર્ડ સર્જયો છે. જેમાં સુરત જિલ્લાની 168 આંગણવાડીઓ ખાતે બહેનો દ્વારા સાબુ અને સ્વચ્છ પાણીથી 20 સેકન્ડ સુધી હાથ ધોવાના રેકોર્ડમાં જોડાય હતી.
આ અવસરે ઉન અને ધેટા વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ ખંભાલીયાએ જણાવ્યું હતું કે, સાચુ પોષણ દેશ રોશનના મંત્ર સાથે સમાજની દરેક વ્યકિત શારીરિક, માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત બને તે માટે સૌને કટિબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા કક્ષાએ પ્રથમ આવનારા મહુવા તાલુકાના સંગીતાબેન પટેલને રૂ.31 હજાર, તેડાગર બહેન ઉર્મિલાબેનને રૂ. 21 હજાર તેમજ કોર્પોરેશનમાં પ્રથમ આવનારા ડિંડોલીના ડીમ્પલબેન પટેલ રૂ.31 હજાર તથા તેડાગર દમયંતિબહેન સુરતીને રૂ.21 હજારના ચેક, પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. હેન્ડવોશ કાર્યક્રમમાં ભાગ લેનારી બહેનોને હેન્ડ વોશ કીટ્સ એનાયત કરાય હતી.
આ અવસરે મુખ્યપ્રધાને ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 1001 જેટલી આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસ નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ, ભૂમિપુજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોચિંગ કર્યું હતું. તેમજ આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, કિશોરભાઈ માહ્યાવંશી, ભાવેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઇ વાસીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નયનાબેન પારગી, મહાનગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી-તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.