- આર્મી ચીફ એમ.એમ. નરવણે સુરતની મુલાકાતે
- વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલના કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા
- શાળા દ્વારા ભારતીય સેનાના જવાનોને 5 હજાર માસ્ક અર્પણ કરવામાં આવ્યાં
સુરતઃ જિલ્લાના વાવ ખાતે આવેલા વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલના સંચાલકોને જ્યારે ખબર પડી કે સુરતની એક કંપની આઠ લેયર માસ્ક બનાવે છે, જે માઈનસ 20 ડિગ્રીમાં પણ રક્ષણ કરતી હોય છે. ત્યારે આ ખાસ માસ્ક તેઓએ ભારતીય સેનાને આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી ભારતીય સેનાના સમર્પણ ભાવને બિરદાવી શકાય અને સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાનાને વધુ પ્રબળ બનાવી શકાય. શાળાના સંચાલક સુનિતા નંદવાનીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ખાસ એન્ટીબેક્ટેરિયલ માસ્ક સેનાના જવાનોના યુનિફોર્મના મેચિંગમાં બનાવાઈ રહ્યા છે. અગાઉ શાળા દ્વારા આ માસ્ક ભારતીય સેનાના પ્રમુખને મોકલવામાં આવ્યા હતા અને તેઓને ખૂબ જ પસંદ આવ્યા હતા. જેથી બુધવારે અતિથિ વિશેષ તરીકે આર્મી ચીફ એમ.એમ.નરવણેને અમે બોલાવ્યા હતા અને સેનાના જવાનો માટે 5 હજાર જેટલા માસ્ક અર્પણ કર્યા છે તેમજ આવનારા દિવસોમાં પણ પાંચ હજાર માસ્ક અમે આપીશું. જે માઇનસ 20 ડિગ્રીમાં પણ રક્ષણ કરે છે.
સંચાલકો દ્વારા આર્મી ચીફ એમ.એમ.નરવણનું ભવ્ય સ્વાગત કરાયું
શાળાના સંચાલકો દ્વારા આર્મી ચીફ એમ.એમ.નરવણનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને શાળાના વિદ્યાર્થીઓને આ અંગે માહિતીગાર કરવામાં આવ્યાં જેને સાંભળી આર્મી ચીફે આવકારતા મજાકમાં કહ્યું હતું તમે વિકિપીડિયા પર આવનારી તમામ જાણકારી ઉપર પણ વિશ્વાસ મુકતા નહીં. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, તમે મને સન્માન આપો છો અથવા તમે અમારામાંથી કોઈને પણ સન્માન આપો તો આપના દ્વારા આપવામાં આવેલ સન્માન અને પ્રેમ સંપૂર્ણ ભારતીય સેનાને મળે છે. હું મારા જવાનોને મળી તમારી ભાવનાઓ અંગે જણાવીશ. સુરક્ષા બળોમાં સામેલ મહિલા અને પુરુષ દેશના તમામ ભાગોથી આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખથી અંદમાન નિકોબાર તેમજ ગુજરાત, નાગાલેન્ડ તેમજ દેશનું એક પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એવો નથી જેમાંથી ભારતીય સુરક્ષા બળમાં પ્રતિનિધિ જોડાયા નથી અને આ જ અમારી શક્તિ છે.
સિવિલિયન અને સુરક્ષાબળો વચ્ચે સંબંધ વધુ ગાઢ થાય છેઃ આર્મી ચીફ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આર્મી લોકો દ્વારા અને લોકો માટે છે. અમે તમામ ભારતીયો માટે સમર્પિત છીએ. અમે જે પણ કરીએ છીએ ભારતના લોકો માટે કરીએ છીએ. ભારતીય સીમા સુરક્ષા અને ભારતીયોની સુરક્ષા કરવા માટે અમને ગર્વ છે. જ્યારે આવા કાર્યક્રમ થતા હોય છે તો સિવિલિયન અને સુરક્ષાબળો વચ્ચે સંબંધ વધુ ગાઢ થાય છે. અમે કોઈ આઇસોલેશનમાં નથી. અમે એકબીજા માટે કાર્યરત છીએ. આપના દ્વારા જે માસ્ક આપવામાં આવ્યું છે તે અમારા જવાનો જ્યાં હશે તેમને મોકલવામાં આવશે અને તે ચોક્કસથી આ માસ્કને વાપરશે.