ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતિષ મોદીએ આ સેશનમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સુરતમાં અદાણી હજીરા પોર્ટ ખાતેથી દરિયાઇ માર્ગે ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટની સુવિધાને કારણે ઉદ્યોગપતિઓ અને વેપારીઓના ખર્ચની સાથે સાથે સમય અને મેનપાવરની બચત થઇ છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ બાબત ખૂબ જ અસરકારક હોય છે. અદાણી હજીરા પોર્ટના સીઇઓ પ્રણવ ચૌધરીએ પોર્ટ દ્વારા આપવામાં આવતી સુવિધા વિશે માહિતી આપી હતી.
હયુન્ડાઇ મર્ચન્ટ મરીન પ્રા.લિ.ના એમડી હયુન્ક જે સુન્ગે જણાવ્યું હતું કે, તેમની કંપની ભારતના અન્ય પોર્ટ પરથી સર્વિસ આપે જ છે. પરંતુ હવે સુરતના અદાણી હજીરા પોર્ટ પરથી પણ ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટકર્તાઓને તેઓ પોતાની સર્વિસ આપવા જઇ રહ્યા છે.
હયુન્ડાઇ મર્ચન્ટ મરીન પ્રાઈવેટ-લીમીટેડના ટ્રેડ મેનેજમેન્ટના હેડ જિતીન જોશીએ જણાંવ્યું હતું કે, આગામી તા. 1લી જાન્યુઆરી ર૦ર૦થી ચાઇના ઇન્ડીયા એક્ષપ્રેસ સર્વિસ ચાલુ કરવા જઇ રહ્યા છે. આ સર્વિસને કારણે કોરીયા અને ચાઇના ખાતેથી દરિયાઇ માર્ગે પ્રોડકટ ડાયરેકટ દક્ષિણ ગુજરાતમાં આવશે. જેનો સીધો લાભ ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટકર્તાઓને થશે.
આ ઇન્ટરેકટીવ સેશનમાં ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટકર્તાઓએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતાં. કમિટીના ચેરમેન નારાયણ અગ્રવાલે સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશન પૂર્ણ થયું હતું.