સુરતઃ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન છે આ સમયે કેટલાક લોકો પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે તો કેટલાક લોકો ઘરે નવરા બેસવાને બદલે પોતાની ક્રિએટિવિટી વધારી રહ્યા છે. ત્યારે સુરતના મીનીએચર આર્ટીસ્ટ પવન શર્માએ આ નવરાશની પળોમાં પ્રથમ વખત પીપળાના પાન પર પોતાની ક્રિએટિવિટી દર્શાવી છે. લોકડાઉનના સમયમાં છેલ્લા બે મહિનામાં જેટલા તહેવારો અને ખાસ દિવસો આવ્યા છે તેને અનુરુપ પવન શર્માએ પીપળાના પાન પર આકર્ષક ક્રિએટિવિટી દર્શાવી છે અને એક વિશેષ રીતે તેમને ઉજવી શકવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. પવન શર્માએ અત્યાર સુધી 23 પીપળાના પાન પર ક્રિએટિવિટી કરી છે.
મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી પવન શર્મા પેન્સિલની અણી પર જ આર્ટ કરતા હતા જો કે પ્રથમ વાર તેમણે લોકડાઉનના સમયમાં ઘરની સામે જ પીપળાના પાન જોઈને તેના પર કલાકૃતિ બનાવી છે. જેમાં રામ જયંતિ પર ભગવાન રામ, હનુમાન જયંતિ પર ભગવાન હનુમાન, પરશુરામ જયંતિ પર ભગવાન પરશુરામ, શહીદ દિવસ પર શહીદ ભગતસિંહ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, જલિયાંવાલાબાગ સ્મારક વગેરેની કૃતિ પીપળાના પાન પર બનાવ્યા છે. તેમણે રતન ટાટાએ પીએમ ફંડમાં કરેલા દાનને લઈને આભાર વ્યક્ત કરવા તેમની પણ કૃતિ પણ બનાવી છે. આ સિવાય મધર્સ ડે, નર્સ ડે, મહારાણા પ્રતાપ, મહાત્મા ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુરત મહાનગરપાલિકા, પોલીસકર્મીઓની કૃતિઓ પણ બનાવી છે. ખાસ કરીને હાલમાં વડાપ્રધાને કહેલા આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો, મેક ઈન ઈન્ડિયા જેવી આઈડયોલોજીને પણ પીપળાના પાનમાં અંકિત કરી છે.
આર્ટીસ્ટ પવન શર્મા કહે છે, ઘરની સામે જ પીપળાનું ઝાડ હોવાથી એક દિવસ બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. જેને લઇને કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવા ડોક્ટર, નર્સ, પોલીસકર્મી તેમજ રત્નટાટા એ કરેલા પીએમ ફંડમાં દાનનો આભાર વ્યક્ત કરવા તેઓને પીપળાના પાન પર કંડાર્યા છે. સાથે મારી કલાથી લોકોને પણ મેસેજ આપવા માંગુ છું કે, કલા દ્વારા તમે ડીપ્રેશનથી બચી શકો છો અને સમયનો સદુપયોગ કરી શકો છો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આત્મનિર્ભર ભારતની વાત કરી તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને તેને પણ મેં પીપળાના પાનમાં કંડારી છે. વડાપ્રધાનના આ આહવાનને આપણે સુદ્રઢ અને સફળ બનાવવાનું છે જેથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ થાય અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ જેથી ભારતના નાના-મોટા ઉદ્યોગો તેમજ મજૂરવર્ગને પણ ફાયદો થાય.