- વરસાદ ખેંચાતા સરકારે તમામ વ્યવસ્થા કરી કે આખું વરસ લોકોને પીવાનું પાણી મળે : રૂપાણી
- સીએમ રૂપાણીએ કહ્યું કે, સરકાર લવ જેહાદ કાયદા માટે મક્કમ
- સી.આર.પાટીલના નિવેદન અંગે પણ વાત કરી
સુરત: વલસાડ ખાતે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું કે, 'અધિકારી સાથે દોસ્તી કરવી નહીં, હોય તો તોડી નાખજો.' તેમણે અધિકારી કરતાં પાર્ટીના પદાધિકારીને વધુ મહત્વ આપવા માટે સૂચન કર્યું હતું. આ નિવેદનને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અધિકારી-પદાધિકારી વચ્ચેના સંબંધો સ્વાભાવિક છે. એને સાથે મળીને કામ કરવું જોઈએ. કારણ કે નીતિવિષયક અને શૈક્ષણિક સાથે મળીને કરતા હોય છે. ગુજરાતમાં જો કોઈ અધિકારી કામ નહિ કરતા હોય તો તેની સામે પગલાં લેવામાં આવશે અને સાથો સાથે લોકોનું કામ વધુ થાય આ માટે પાર્ટીના અધિકારીઓ કાર્યરત રહેશે.
આ પણ વાંચો: ભાજપી કાર્યકરોએ અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં, હોય તો તોડી દેજો :પ્રદેશ પ્રમુખ ઉવાચ
ગુજરાતના લોકોને પીવાનું પાણી મળી રહે આ માટે ટોપ પ્રાયોરીટી મૂકવામાં આવી
રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે રાજ્યમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. આ અંગે સીએમ રૂપાણીએ સુરત ખાતે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાયો છે. આપણે આશા પણ છે કે, હજુ વરસાદ આવે પરંતુ માની લ્યો ન આવે તો રાહતના કામ અને આ સ્થિતિને પહોંચી વળવાની વ્યવસ્થાઓ શરૂ કરવાનું કામ કરી દીધું છે. આખું વરસ આખા ગુજરાતના લોકોને પીવાના પાણી મળી રહે આ માટે ટોપ પ્રાયોરીટી મૂકવામાં આવી છે અને તે માટેની પ્લાનિંગ થઈ ગઈ છે. વધારાના પાણી છોડવાનું છે તે પણ નિર્ણય થઈ ગયો છે હજુ આશા રાખી આપણે કે ભગવાન મહેર કરે.
હાઇકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો સરકારે નિર્ણય કર્યો
હાલમાં હાઇકોર્ટ દ્વારા લવ જેહાદ મામલે સ્ટે આપવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા આગામી સમયમાં તેને સુપ્રીમમાં પડકારવામાં આવશે. આ કાયદાને લઈએ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લવ જેહાદ કાયદા માટે સરકાર મક્કમ છે. લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવે છે. હિન્દુ દિકરીને ભગાડીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ ન થાય આ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. હાઇકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો સરકારે નિર્ણય કર્યો છે અને આ અંગે ભવિષ્યમાં એક નિર્ધાર સાથે અમે આગળ વધીશું.