- વર્ષ 2019માં બની હતી આ છેતરપિંડીની ઘટના
- હીરા ખરીદવા માટે વેપારીને ઓફિસ બોલાવ્યો હતો
- નજર ચૂકવીને આરોપીઓએ હીરા બદલી લીધા હતા
સુરત: મહિધરપુરા વિસ્તારના હીરા વેપારીને અસલી હીરાને બદલે નકલી હીરા પધરાવી 47.70 લાખની ઠગાઈ કરવાના ગુનામાં હીરા દલાલને SOG પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નજર ચૂકવીને નકલી હીરા પધરાવી દીધા હતા
SOGએ બાતમીના આધારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી મોટા વરાછા વૈભવલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા પ્રદીપ છગનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પોતે મહિધરપુરા લાલ દરવાજા પાસે WDC બિલ્ડીંગમાં ઓફીસ ધરાવી હીરાની લે-વેચ દલાલીથી કરતો હતો. દરમ્યાન વર્ષ 2019માં સહ આરોપી ધર્મેશભાઈ શાહ ઉર્ફે ધવલ વ્હોરા, રમેશ થડેશ્વર થકાણ ઉર્ફે રમેશ સોની ઉર્ફે આર.એમ, રાહુલ ક્થેરિયા, રાહુલ ચોકસી તથા ભરત દલાલ સાથે મળી લાલદરવાજા મોઢવણીક શેરીમાં પીઆર ડાયમંડના નામથી હીરાનો વેપાર કરતા ભરત કુમાર ગજાજી રાવલ પાસેથી હીરા ખરીદવા હોય તેમ જણાવી ભરતકુમારને હીરા લઈને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ તેઓની નજર ચૂકવી 47.70 લાખના અસલ હીરાને બદલે નજર ચૂકવી નકલી હીરા પડીકામાં મૂકી દીધા હતા. જોકે, હીરાના વપારીને આ બાબતની જાણ થતા સમાધાન કરવાના બહાને બોલાવી હીરાની કિંમતના બદલે ચેક આપ્યા હતા.
કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા
આરોપીઓએ આપેલા ચેક રિટર્ન થયા હતા. જેથી હીરા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં રાહુલ ક્થેરીયા તથા રાહુલ ચોકસી પકડાઈ ગયા હતા. જયારે હાલમાં ઝડપાયેલા આરોઇએ નામદાર કોર્ટમાં આગોતરા જામીન મુકતા નામદાર કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. જેથી પોતે ઓફીસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. SOGએ આરોપીનો કબજો મહિધરપુરા પોલીસને સોપ્યો છે અને આ મામલે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.