- સુરત શહેર ભાજપે સત્તાવાર પત્રકાર પરિષદ યોજી
- આમ આદમી પાર્ટીની જાહેરાતોના મુદ્દે કર્યો ખુલાસો
- ભાજપના કાર્યકરો આપમાં જોડાઈ રહ્યા હોવાની કરાઈ રહી જાહેરાત
સુરત: શહેર ભાજપે (surat BJP) સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી(AAP)ની જાહેરાતોના મુદ્દે ખુલાસો કરવો પડ્યો હતો. ભાજપના કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાઈ રહ્યા હોવાની છાશવારે જાહેરાત કરવામાં આવી રહી છે. લોકોના ટોળા આપનો ખેસ અને ટોપી પહેરી રહ્યા હોવાના ફોટા અને વીડિયો વાયરલ કરીને ભાજપ કાર્યકરો જોડાઇ રહ્યાની જાહેરાતો મામલે શહેર ભાજપ સંગઠન બનાવ્યું હતું.
આપે ભાજપ નહીં કોંગ્રેસની સીટો લીધી
આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા(Niranjan zanzmera)એ જણાવ્યું હતું કે, આપ નર્યું જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે અને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, આવા તમામ અહેવાલો તથ્યહીન અને સત્યથી વેગડા છે. પ્રમુખે ઉમેર્યું હતું કે, ચૂંટણી સમય અને ચૂંટણી બાદ બે ચાર કાર્યકરો પોતાની અપેક્ષાઓ ન સંતોષાતા અમારાથી છુટા પડયા હતાં. જે અમને ખબર છે. આ સિવાય અમારા કોઈ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આપમાં જોડાયા નથી. શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, તેમાં અમારા સાડા ચાર લાખ પ્રાથમિક સભ્યો છે. અમારી પાર્ટી અડીખમ છે અને સુરત મહાનગરપાલિકામાં અમારી સંખ્યા 80 થી વધીને 93 થઇ છે. આપે અમારી નહીં કોંગ્રેસની સીટો લીધી છે.

આ પણ વાંચોઃ સુરત ભાજપમાં ભડકો: 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
કાર્યક્રમમાં જેઓની હાજરી પણ નથી
સુરત ભાજપ તરફથી આ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપ આ વાત સાબિતી વગર નથી કરી રહ્યા આ અંગે સર્વે કર્યો છે. અમને કાર્યકર્તાઓની સંભાળ છે. એટલે જ મેં સર્વે કર્યો હતો ખરેખર ભાજપના આટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે..? જેમાં અમને જાણવા મળ્યું કે આપમાં જોડાનારા જે વ્યક્તિઓને ભાજપ કાર્યકર ગણવામાં આવે છે એ અમારા સક્રિય સભ્ય તો નથી જ પણ અમારે ત્યાં પ્રાથમિક સભ્ય નોંધણીની પ્રક્રિયા છે એમાં પણ તેઓના નામ નથી. ભાજપના પ્રાથમિક સભ્ય પણ ના હોય અમારા કોઈ કાર્યક્રમમાં જેઓની હાજરી પણ ન હોય એવા લોકોને ભાજપના કાર્યકરના નામે આપમાં જોડાતા બતાવવામાં આવી રહ્યા છે.