- કોંગી નેતા હાર્દિક પટેલે સુરતમાં ચૂંટણી સભાઓ યોજી
- ભાજપ, AAP અને AIMIM પર કર્યા આકરા પ્રહાર
- મુખ્યપ્રધાન રૂપાણીનાં સારા સ્વાથ્ય માટે કરી કામના
સુરત: કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સુરતની મુલાકાતે દરમ્યાન સભા સંબોધી હતી. મીડિયા સાથે વાતચીત દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તેઓએ કહ્યું હતું કે, જો મ.ન.પા.માં અમારુ બોર્ડ બનશે તો મિલકતવેરામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. ફ્રી પાર્કિંગ ઝોન અને ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવશે. સરકારી શાળાઓમાં ઇંગ્લિશ મિડિયમની શાળાઓ શરૂ કરવામાં આવશે.
ભાજપના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર
હાલ સુરતના બે ધારાસભ્ય વિવાદમાં આવ્યા હતા. ધારાસભ્ય વીનું મોરડીયાને પ્રશ્ન કરનાર એક વ્યક્તિને જેલ મોકલવામાં આવતા હાર્દિક પટેલે આ ઘટનાની ટીકા કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, કોઈ માણસ જો તમને એ જનતા તરીકે પ્રશ્ન કરે તો તેનો જવાબ આપવાનું તમારી ફરજ બને છે. જન પ્રતિનિધિ તરીકે તમને દરેક લોકોને જવાબ આપવો પડે. હાર્દિક પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપર નિશાનો સાધતા કહ્યું હતું કે, એમની ગુંડાગર્દી અંગે લોકોને ખબર છે. મને લાગે છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે અને સાંસદ તરીકે તેમને નમ્ર બનીને લોકો સમક્ષ રજૂ થવું જોઈએ.
AAP અને AIMIM ભાજપને જીતડવા માટે ચૂંટણીમાં ઉતર્યા છે: હાર્દિક પટેલ PAAS સાથે સમાધાનની પ્રક્રિયા ચાલુ છેપાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કેટલીક જગ્યાએ PAAS સાચું છે, તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ સાચું છે. મોટો પરિવાર હોય તો નાના-નાના ઇશ્યૂ થતા હોય છે. ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને તમામ પ્રકારના સમાધાન સાથે સુરતની પ્રજાને સારી સત્તા મળે તે માટે અમારા પ્રયાસો ચાલુ છે.
પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન શાહ મારું કદ નાનું કરી શક્યા નથીઆમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ આરોપ મૂક્યા હતા કે, કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે કામ કરે છે. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, તમે સર્વે કરશો તો તમને ખબર પડી જશે કે આમ આદમી પાર્ટી અને એ.આઈ.એમ.આઈ એમ કયા વિસ્તારમાં ચૂંટણી લડીને કોને ફાયદો પહોંચાડી રહી છે. જો આ પાર્ટીઓને ચૂંટણી લડીને લોકોની સેવા કરવાનો વધારે શોખ હતો, તો તેઓ વર્ષ 2017માં ક્યાં હતા ? PAAS દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે, ટિકિટના વહેંચણીમાં હાર્દિકનું કદ નાનું કરવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો હતો. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તેમનું કદ નાનું કરી શક્યા નથી. હાર્દિકે હાલમાં જ કોરોનાગ્રસ્ત થયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં સારા સ્વાસ્થ્ય માટે પણ કામના કરી હતી.