- લોકોને માસ્ક પહેરવા આમ આદમી પાર્ટીએ કરી અપીલ
- લોકોને માસ્કનું વિતરણ આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું
- લોકોને કોરોનાથી બચવા જરુરી તકેદારી રાખવા જાગૃત કર્યા
સુરતઃ જિલ્લાના શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણ વધતા મનપા દ્વારા ટેસ્ટીંગ અને વેક્સિનેશન વધારી દેવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના જહાંગીરપુરા બ્રીજ પાસે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોએ વિરોધની સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જહાંગીરપુરા બ્રીજ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નેતાઓ માટે દંડ નહીં ભરવા માટે માસ્ક અવશ્ય પહેરો જેવા બેનરો અને કટાક્ષ સાથે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. આ વિરોધ પોલીસની હાજરીમાં જ કરવામાં આવ્યો હતો. લોકોને વિના મુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને પોલીસના દંડથી બચવા માટે માસ્ક પહેરવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ સુરત પાલિકાએ 5 વર્ષમાં ભાડાનાં વાહનો પાછળ 7 કરોડ ખર્ચ્યા : આમ આદમી પાર્ટી
મહામારીમાં દંડ ઉઘરાવવો કેટલો યોગ્ય ?
આપ પાર્ટીના કાર્યકર્તા જુલિયન વાઘાણીએ જણાવ્યું હતું કે જયારે વિશ્વ કોરોનાની મહામારીમાં પીસાઈ રહ્યું છે અને લોકોના ધંધા, રોજગાર પર અસર પડી છે, આમ જનતાની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર માસ્કના નામે જે 1 હજાર રૂપિયા દંડ ઉઘરાવી રહ્યું છે, તે કેટલું વ્યાજબી છે. લોકોની લાગણીઓ સાથે ખીલવાડ કરવાની તંત્રની આ સિસ્ટમ બહુ જૂની છે. અત્યારે તંત્રને સમજવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે.
આ પણ વાંચોઃ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
271 લોકો પાસેથી 2.71 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો
સુરત મનપા દ્વારા 22 માર્ચના રોજ સુરતના અલગ અલગ ઝોનમાં તપાસ કરી માસ્ક નહીં પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને 271 લોકો પાસેથી 2.71 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપા દ્વારા દરરોજ આ પ્રકારની કામગીરી સુરતના તમામ ઝોનમાં કરવામાં આવી રહી છે.