- ત્રણ માસ પહેલા જ થયા હતા લગ્ન
- આત્મહત્યાનું કારણ અકબંધ
- પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરત: પલસાણા તાલુકાના ચલથાણ ગામે પરિણીતાએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ મહારાષ્ટ્રની વતની એવી આ પરણીતાના ત્રણ માસ પહેલા જ લગ્ન થયાં હતાં. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વિસ્તાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે લક્ષ્મીનગરમાં રહેતા મહેન્દ્ર પાટીલ કલાકૃતિ ડાઈનીંગ મિલમાં ડિજિટલ ઓપરેટર તરીકે કામ કરે છે. મહેન્દ્ર પાટીલના ગત જૂન માસમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની રવીના નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. ગત રોજ પરિણીત રવીના ન્હાવા જવાનું બહાનું કાઢી રૂમમાં જઈને સુઈ ગઈ હતી.
![સુરત જિલ્લાના ચલથાણ ગામે નવ પરીણિતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13129096_joke.jpg)
ફોન રૂમમાં આપવા જતા ખબર પડી
થોડા સમય બાદ રવીનાના ઘરેથી ફોન આવતા તેની મામી કલ્પનાબેન રવીનાને ફોન આપવા રૂમમાં ગયા હતા. જ્યાં રવીનાએ રૂમમાં સિલિંગ સાથે સાડી ગળે બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને જાણ કરતા સૌ ત્યાં દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પરિવારજનોની પૂછપરછ શરૂ કરાઈ
પોલીસે પરણીતા રવીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. પરિણીતાએ કયાં કારણોસર આત્મહત્યા કરી છે તે જાણી શકાયુ નથી. પોલીસે પરિવારજનની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.