- યુવકને મહિલાએ ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી
- બીભત્સ ચેનચાળા કરી તેનો વિડીયો ઉતારી લીધો
- વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
- યુવકે ઉધના પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
સુરત: જિલ્લાના ઉધના વિસ્તારમાં રહેતો 24 વર્ષીય યુવક ટેક્સટાઈલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઈ 17 જાન્યુઆરી 2021ના રોજ તેના ફેસબુક પર આરોપી અંજલિ શર્મા નામની યુવતીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેથી યુવકે તે ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સ્પેટ કરી હતી અને ત્યારબાદ અંજલિ શર્મા નામની આઈ.ડી. ધારકે તેનો વોટ્સએપ નંબર યુવકને આપ્યો હતો અને બન્ને જણા વોટ્સએપ પર ચેટીંગ કરતા હતા. તે દરમિયાન યુવતીએ યુવકને વિડીયો કોલ કર્યો હતો અને વિડીયો કોલમાં નગ્ન થઈ તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં તે વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી ટુકડે-ટુકડે ગુગલ પે થી રૂપિયા પડાવી લીધા હતા.
સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ ન કરવા રુપિયા માંગ્યા
બાદમાં રાજેન્દ્ર યોગી નામના શખ્સે ફોન કર્યો હતો અને "હું દિલ્હીથી બોલું છું. તમારો અને અંજલિ શર્માનો વિડીયો યુ-ટ્યુબ પર અપલોડ થવાનો છે. તે વિડીયો અપલોડ ન થવા દેવો હોય તો યુ-ટ્યુબના કર્મચારી સાથે વાત કરી લો કહી અન્ય એક નંબર આપ્યો હતો. જેથી તે નંબર પર એકાઉન્ટન્ટે ફોન કર્યો હતો. ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાનું નામ અજય શર્મા તરીકે આપી હતી અને વિડીયો અપલોડ ન કરવા માટે 21 હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેમજ બાદમાં જણાવ્યું હતું કે, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવો હોય તો વધુ રુપિયા ચુકવવા પડશે તેમ જણાવ્યું હતું.
મિત્રોએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવી
જો કે આખરે યુવકે આ બનાવની જાણ તેના મિત્રોને કરી હતી અને તેઓના મિત્રોએ હિંમત આપતા સૌપ્રથમ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી અને ત્યારબાદ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉધના પોલીસે અંજલિ શર્મા નામની યુવતી, અજય શર્મા અને રાજેન્દ્ર યોગી નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આવી રીતે ઠગાઈ કરતી ગેંગ થઈ છે સક્રિય
લોકોને આવી રીતે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી વોટ્સએપ નંબર મેળવી તેને વિડીયો કોલ કરી નગ્ન થઇ તેનો વિડીયો ઉતારી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. ઘણા કિસ્સાઓમાં બદનામીના ડરથી લોકો પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. જેનો લાભ આ પ્રકારની ગેંગ લઇ રહી છે પરંતુ લોકોને આવી ગેંગથી સાવચેત રહેવાની જરુર છેે તો બીજી તરફ પોલીસ પણ આવા લોકોને ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.