સુરત: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતના ખજોદમાં 'ડ્રીમ સિટી' પ્રોજેક્ટ ('Dream City' project) હેઠળ આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રકલ્પ 'સુરત ડાયમંડ બુર્સ'ની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં સુરતના હીરા ઉદ્યોગકારોએ (Surat Diamond Market)જોયેલું ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર થવાં જઈ રહ્યું છે. ગુજરાત સરકારે જમીન સહિતની પાયાની જરૂરિયાતો પૂરી પાડતાં સુરત ગુજરાતનું સીમાચિહ્ન રૂપ બુર્સ હવે નિર્માણના અંતિમ તબક્કામાં છે. આ બુર્સ સાકાર થવાથી સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ વેચાણ થશે, જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
સુરતમાં વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર
તેમણે વધુમાં કહ્યું કે, આ સામાન્ય બિલ્ડીંગ માત્ર નથી, પણ ઈકોફ્રેન્ડલી કન્સેપ્ટને (Eco friendly Concept)અનુસરતું આઈકોનિક સેન્ટર છે. અહીં નીકળતા કચરા, વેસ્ટ વોટરને રિયુઝ (Reusable water)કરીને પુન: વપરાશ કરવામાં આવશે. સમગ્ર બુર્સમાં ઠંડી અને ગરમીને સંતુલિત કરી શકે તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. ડાયમંડ વેપારીઓને (Diamond traders) સુરતમાં વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળતા દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરત ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ વેળાએ રાજ્યપાલએ 'સુરત ડાયમંડ બુર્સ' સંબંધિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ પણ વાંચો: હીરા ઉદ્યોગનું જેમ્સ એન્ડ જવેલરી પાર્કનું સપનું સપનું જ રહ્યું અને શાસકમાં બેઠેલા શબ્દ પણ ઉચ્ચારતા નથી
વ્યાપારીઓ પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે
આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ડિરેકટર મથુરભાઈ સવાણીએ 36 એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના અંતિમ તબક્કાના નિર્માણની વિગતો આપતાં કહ્યું કે, ટૂંક સમયમાં લોકાર્પિત થનાર સુરતના આ ડાયમંડ બુર્સમાં આવીને દુનિયાના વ્યાપારીઓ પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ટૂંકા ગાળામાં ઝડપભેર બાંધકામ કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation), જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના સહયોગનો ઉલ્લેખ કરી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ (Diamond Trading)ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.