- ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી પરિણીતા દવા પીને પહોચી પોલીસ મથક
- પારિવારિક ઝઘડો હોવાનું અને પતિએ કાઢી મૂકતા દવા પી લીધી
- હાલ પરિણીતાની હાલત નાજુક
સુરત : 8 માર્ચે મહિલા દિવસ છે અને સુરત સહિત સમગ્ર દેશમાં મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નારી શક્તિને લોકો સલામ કરી રહ્યા છે, પરંતુ આજ સમાજમાં મહિલાઓ ઘરેલું હિંસાનો પણ શિકાર બની રહી છે. થોડા સમય પહેલા અમદાવાદમાં બનેલી આઇશા સાથેની ઘટના તે વાતનો પૂરાવો છે. આઇશાની ઘટનાને હજૂ લોકો ભૂલ્યા નથી, ત્યાં સુરતમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઈચ્છાપોરમાં રહેતી એક પરિણીતાને તેના પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી મહિલા દવા પીને પોલીસ મથકે પહોચી હતી. પોલીસ મથકમાં મહિલા ઢળી પડતા મહિલા PSI દ્વારા તેને ખાનગી કારમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - સુરતમાં દહેજની લાલચ રાખી છૂટાછેડાની ધમકી આપતા સાસરિયાં પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના 3 વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. જે બાદ મહિલાએ બે વર્ષ પહેલા એક પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ આ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરી ખાતે ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ સોમવારે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરમાં દહેજ વિરોધી કાયદો લાગુ
પતિએ કાઢી મૂકતા દવા પી લીધી હોવાનું મહિલાએ જણાવ્યું
આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો. પતિ સહિત સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી. જે બાદ વંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસ સ્ટેશન ખાતે જમીન પર ઢળી પડી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મહિલા PSIએ સમયસૂચકતા વાપરીને તત્કાલિકધોરણે અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. મહિલા PSIએ આ અંગે જણાવ્યું હતું કે, પારિવારિક ઝઘડો હોવાનું અને પતિએ કાઢી મૂકતા દવા પી લીધી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - સુરતમાં પતિએ મારઝૂડ કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
મહિલા ભાનમાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે
મહિલાએ પોલીસ મથકમાં જ ઢળી પડતા તેને ત્યાં હાજર મહિલા PSI સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તેની હાલત નાજુક છે. મહિલા ભાનમાં આવ્યા બાદ જ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.