- ગુજરાત હાઈકોર્ટના નામનો બોગસ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ
- સુરતની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- પારસી સમાજના લોકોની લાગણી ન દુભાઈ તે માટે તેણે આ કૃત્ય કર્યું
સુરત: પારસી પંચાયતને બદનામ કરવા અને ધાર્મિક લાગણીને ઉશ્કેરવા માટે કોઈ અજાણ્યા શખ્સે ગુજરાત હાઈકોર્ટના નામનો બોગસ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી, આ મામલે સુરતની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: 53 વર્ષીય મોનિકાએ 13 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો
ગુજરાત હાઇકોર્ટના નામનો લેટર વાયરલ થયો
સુરતના શાહપોરમાં રહેતા રોહીન્તન બેજનજી મહેતા પારસી પંચાયત ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ સુરતની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે સુરત પારસી પંચાયતને બદનામ કરવા તેમજ પારસી કોમની ધાર્મિક લાગણીને ઉશ્કેવારના ઇરાદે નામદાર ગુજરાત હાઇકોર્ટના નામનો બોગસ લેટર બનાવ્યો છે. જેમાં, નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એ.જે.દેસાઇની બનાવટી સહી કરી હાઇકોર્ટમાં બનાવટી રાઉન્ડ સીલ મારીને સુરત પારસી પંચાયત મોકલ્યો હતો. આ લેટરમાં કોઇપણ આધાર કે પ્રમાણિત પુરાવા વગર કોરોના મહામારી આફતના સમયમાં લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી અતિશયોક્તિ ભર્યો ઓર્ડર કરવામાં આવ્યો હતો. એટલું જ નહી વોટ્સએપના અલગ અલગ ગ્રૃપમાં પણ વાયરલ કર્યો હતો.
પારસી લોકો રિતીરિવાજ મુજબ જ અંતિમ સંસ્કાર કરે
આ બનાવટી બોગસ લેટરમાં સુરતમાં પારસી ધર્મના લોકો જે મૃત્યુ પામે છે. તેઓની રિતીરિવાજ મુજબ જ કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આ લેટર બોગસ હોવાથી આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: 18 હજાર ગામમાં 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
લાગણી દુભાતા આરોપીએ કૃત્ય કર્યું હતું
પોલીસે તપાસ કરી નાનપુરા ટીમલીયાવાડ ખાતે રહેતા આરોપી માહિયાર રતનશા પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, 17 તારીખના રોજ તેના પિતાનું અવસાન થયું હતું અને તેની અંતિમવિધિ અગ્નિ સંસ્કાર આપીને કરવામાં આવી હતી. જેથી, તેની લાગણી દુભાઈ હતી અને અન્ય પારસી સમાજના લોકોની લાગણી ન દુભાઈ તે માટે તેણે આ કૃત્ય કર્યું હતું.