સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાને અગાઉના પતિ થકી સંતાનમાં 11 વર્ષની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ શુક્રવારે મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. જે સમયે તેણીનો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. તે દરમિયાન પિતાની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતાએ તેની 11 વર્ષની માસુમ દીકરીને પીંખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતાને કહી હતી.
પુત્રની વાત સાંભળતા જ માતાના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં મહિલા તેની પુત્રીને લઈ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના નિવેદનના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નરાધમ બાપે પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.
પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં જ નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પુત્રીની સામે તે નાના પુત્રને મારતો હતો, જેથી પુત્રીમાં ભયનો માહોલ રહે. બાદમાં આ જ વાત નો લાભ ઉઠાવી પિતા દ્વારા પુત્રી પર અવારનવાર દુષ્કર્મ થતું હતું. તો બીજી બાજુ જો તેણી કોઈને આ વાત ની જાણ કરશે તો તેને પણ ભાઈની જેમ માર મારવાની ધમકી આપતો હતો.