- કોરોના રસીકરણ માટે સુરતમાં તંત્રની તૈયારીઓ
- સુરત કોર્પોરેશને યાદી કરી તૈયાર
- પહેલા તબક્કામાં 28500 આરોગ્યકર્મીઓને રસી અપાશે
સુરત: સુરત મ્યુનિ.ના મનપા કમિશ્નર રસી આવે તે પહેલાં તેના માટે ખાસ મેનેજમેન્ટ કરી રહ્યા છે. જેમાં તે કોરોનાની રસી આવે ત્યાર બાદ રસી કોને આપવી? કોણ આપશે? રસીની જાળળણી કેવી રીતે થશે? અને રસીના સ્થળો નક્કી કરવા માટેની બ્લુ પ્રિન્ટ વગેરે તૈયાર કરી રહ્યા છે. કોરોના સામે લડી રહેલાં હેલ્થ કેર વર્કરને સૌથી પહેલાં રસી અપાશે. જેમાં સુરત નવી સિવિલ, મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલ, મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઇ સર્વે કામગીરી કરતા વર્કરો તેમજ શિક્ષણ સમિતિના શિક્ષકો, આંગણવાડીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હેલ્થ કેર વર્કરમાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ વર્કર અને ચોથા વર્ગના કર્મચારીઓને પહેલાં આવરી લેવાશે.
- 1000 જેટલી ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકમાં રસી અપાશે
આ ઉપરાંત શહેરની હોસ્પિટલ અને જનરલ પ્રેકટિશનરે કોરોનાની કામગીરી કરી છે તેમનો પણ સમાવેશ કરાશે. 1000 જેટલી ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકમાં રસી અપાશે. રસીકરણ પહેલાં તેમનો ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કરને રસી આપવા આયોજન છે. ફ્રન્ટ લાઈન વર્કરમાં સરકારી, અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ જે નાગરિકો સાથે સંપર્કમા આવતાં હોય તેઓની માહિતી તૈયાર થઇ રહી છે. હાલમાં હેલ્થ કેર વર્કરની યાદી તૈયાર થઈ છે તેમાં 28500 લોકોનો સમાવેશ કરવામા આવ્યો છે.