સુરત: સુરતના મેયર ડો. જગદીશ પટેલ, મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓએ ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી ટ્રાયલ લીધી હતી. ટ્રાયલ રન કોસાડથી પાલ RTO રોડ ઉપર કરવામાં આવ્યો હતો. બસમાં પ્રવાસીની ક્ષમતા મુજબના વજન સાથે આ ટ્રાયલ કરવામાં આવ્યો હતો.
ઇલેક્ટ્રિક બસ પ્રતિદિન 221 કિલોમીટર એક વખતના ચાર્જિંગ બાદ ચાલવાની ક્ષમતા ધરાવે છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ આગામી બે-ત્રણ માસમાં આવી બસો સુરતના માર્ગો પર દોડતી થશે, ત્યારે ઘોંઘાટ અને વાયુ-પ્રદૂષણમાં ઘણી મોટી રાહત મળી શકશે. 50 જેટલા ચાર્જીંગ સ્ટેશનો માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની ગાઈડલાઈન પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રત્યેક બસ દીઠ 45 લાખની સબસિડી આપવામાં આવશે. મહાનગરપાલિકાને હાલ રૂપિયા 67.50 કરોડ રૂપિયાની સબસિડી મળશે. બસ આવે તે પહેલા જ ફેબ્રુઆરી, 2020માં સુરત મહાનગરપાલિકાને રૂપિયા 13.50 કરોડની સબસીડીનો પહેલો હપ્તો મળી ગયો હતો. જેના કારણે સુરતના પર્યાવરણમાં ઘણો ફાયદો થશે.