- 105 વર્ષના માજીએ કોરોનાને આપી માત
- ગ્રામ્ય જીવનના શુદ્ધ વાતાવરણને કારણે તંદુરસ્ત શરીર
- મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ હાર માનવી પડે
સુરત: જિલ્લાના સચિન ગામમાં મક્કમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી હતી. માજી સ્વસ્થ થતાં પરિવારને અનહદ આનંદ છે. માજીએ મક્કમ મનોબળથી કોરોનાને માત આપી છે. 105 વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ છે.
19 સભ્યોના સંયુક્ત પરિવાર સાથે રહે છે
આ વાત છે મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતાં ઉજીબેન ગોંડલીયાની. જેઓ 19 સભ્યોના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ગામડાના મહેનતકશ જીવન, સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ અને સાત્વિક આહારના કારણે કોરોના સામે ઝીંક ઝીલી ખુબ ઓછા દિવસોમાં વિજયી થયાં. કોરોનાને માત આપનારા આ વૃદ્ધા બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, અનેક હોનારતો અને ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે.
તમામ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે
ઉજીબાના 55 વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગોંડલીયા 'હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ'ના ડિરેક્ટર અને સચિન પાટીદાર સમાજના પ્રમુખ છે. તેઓ જણાવે છે કે, મારી માતા ઉજીબાએ ખેતીમાં તનતોડ મહેનત કરી છે. માતા ગામડે ખેતરમાં જાતે હળ અને સાંતી ચલાવતા, પાણી વાળતા અને બળદગાડું પણ ચલાવતા હતા. કડકડતી ઠંડી કે ઉનાળાનો બળબળતો તાપ હોય તો પણ મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરે નહીં. આજે પણ કોઈને ચીંધવા કરતાં પોતાનું તમામ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. આ ઉંમરે તેમની શ્રવણશક્તિ અકબંધ છે. ગ્રામ્ય જીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે તેમને ભાગ્યે જ દવાખાને લઈ જવા પડ્યા છે.
આ પણ વાંચો: પ્લાસ્ટિક પ્રદૂષણ સામે 83 વર્ષના વૃદ્ધા સૌ કોઈ માટે છે પ્રેરણાનો સ્ત્રોત
પરિવારમાં માતાની છત્રછાયા જળવાઈ રહી છે એનો સવિશેષ આનંદ
ગોવિંદભાઈ કહે છે કે, ઉજીબાના સગા ભાઈઓ એટલે કે મારા બે મામાઓ પૈકી એક 108 વર્ષ અને એક 103 વર્ષ જીવ્યા. જ્યારે એક માસી 101 વર્ષ જીવ્યા. અમારા વડીલો ગામડાની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી દીર્ઘાયુ છે. વૃદ્ધાવસ્થાને કારણે વડીલોની સર્જરી-ઓપરેશન સફળ નથી થતાં, પરંતુ 97 વર્ષની ઉંમરે પડી જવાથી માતાનો થાપાનો ગોળો ફાટી ગયો. જેનું ઓપરેશન કરીને સ્ટીલનો ગોળો નંખાવ્યો હતો. અમારા સંયુક્ત પરિવારમાં માતાની છત્રછાયા જળવાઈ રહી છે એનો સવિશેષ આનંદ છે.
આ પણ વાંચો: સુરતના 82 વર્ષના વૃદ્ધા અને 24 વર્ષની યુવતીએ કોરોનાને હરાવ્યો
કોરોના કરતાં તેનો ડર ગંભીર છે
સમર્પણ હોસ્પિટલમાં માજીની સારવાર કરનારા ડો.અનિલ કોટડિયા જણાવે છે કે, 11 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતાં ઉજીબાને દાખલ કરાયા હતાં. તાવ, શરદી, નબળાઈ જેવા લક્ષણો હતાં. જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને 14 એપ્રિલથી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતાં ત્યારે હંમેશા હસતા મુખે કહેતા કે 'દિકરા,કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., આ કોરોના-ફોરોનાથી મને કશું થવાનું નથી.' દાદીના મોં પર હંમેશા હાસ્ય રહેતું હતું અને સ્ટાફ સાથે હસતા મુખે વાતચીત કરતાં. તેમની રિકવરી જોઇને હું ચોક્કસપણે કહું છું કે, કોરોના કરતાં તેનો ડર ગંભીર છે. તણાવમુક્ત રહી સારવાર લેવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. 105 વર્ષના માજી કોરોનાને હરાવી શકતાં હોય તો આપણે કેમ ન હરાવી શકીએ.? ઉજીબાએ શીખવ્યું છે કે, મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ હાર માનવી પડે છે.