સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામની મહિલા મુંબઈથી પોતાના ઘરે આવી હતી. જે અંગે સ્થાનિક લોકોએ પ્રશાસનને જાણકારી આપતાં આરોગ્ય વિભાગે મહિલાને ક્વોરેન્ટાઈન કરી હતી. ક્વોરેન્ટાઈનના સમય દરમિયાન આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ પ્રશાસને મહિલા સહિત તેના સંપર્કમાં આવેલા 37 લોકોને ક્વોરેન્ટાઈન કરી શ્રીનાથજી બિલ્ડીંગને ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધી હતી.
પ્રશાસને એપાર્ટમેન્ટમાં સેનિટાઈઝરનો છંટકાવ કરી લોકોને તકેદારી રાખવા જણાવ્યું હતું. તે સાથે જ મહિલાના સંપર્કમાં આવેલ તેમના પતિ સહિત 37 લોકોના રિપોર્ટ લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જે તમામ રિપોર્ટ અને પોઝિટિવ મહિલાનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. આ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ફરી એકવાર કોરોના મુક્ત પ્રદેશ બન્યો છે.