સેલવાસ: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 35 વર્ષથી રાજકારણમાં ભૂકંપ લાવતા રહેલા મોહન ડેલકરે ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી 7મી વખત સાંસદ બનેલા મોહન ડેલકરે આ વખતના જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં JDUના તીરથી નવું નિશાન તાક્યું છે. ત્યારે, થોડા સમય પહેલા તંત્રની તાનાશાહીથી ત્રસ્ત થઈ લોકસભામાં રાજીનામું આપવાની વાત કરનાર ડેલકરે હુંકાર કર્યો હતો કે, તેઓ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા સિવાય પદનો ત્યાગ નહીં કરે. તેઓ આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છે. જે અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જાય, તેને લોકોની સમસ્યા હલ કરવામાં રસ છે. પદનો કોઈ મોહ નથી.
![હું આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છું, અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જાઉ : મોહન ડેલકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-02-challenge-mohan-pkg-gj10020_13102020191309_1310f_03139_407.jpg)
મોહન ડેલકરે JDU સાથે ગઠબંધન રચ્યું છે. જેમાં સેલવાસ નગરપાલિકા માટે પોતાના પક્ષ સાથે જોડાયેલા સુમન પટેલને નગરપાલિકાના પ્રમુખ બનાવવાનું પણ એલાન કરી દીધું છે. સાથે જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમણ કાકવાને સેન્ટ્રલ લીડરશીપ આપી જિલ્લા પંચાયતની પ્રમુખ માટેની મહિલા આરક્ષિત સીટ માટે યોગ્ય મહિલાની પસંદગી કરશે તેવું જાહેર કર્યું હતું. પ્રશાસન તરફથી આ વખતે સિમ્બોલ પર ચૂંટણી નહીં યોજાઇ તેવી વહેતી થયેલી વાતો સામે પણ ચૂંટણી પંચ અને સરકાર જે નિર્ણય કરશે તે નિર્ણય પ્રજાહિતમાં હશે તો મંજુર રાખીશું, નહી તો કાનૂની લડાઈ લડીશું. ચૂંટણીમાં તીરના નિશાન પર લડીશું અથવા તો અન્ય નિશાન પર પણ ચૂંટણી લડીશું એવી ખાતરી ડેલકરે આપી હતી.
![હું આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છું, અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જાઉ : મોહન ડેલકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-02-challenge-mohan-pkg-gj10020_13102020191309_1310f_03139_934.jpg)
ઉલ્લેખનીય છે કે, મોહન ડેલકર દાદરા નગર હવેલીમાંથી 7મી વખતના સાંસદ છે. જેમાં તેઓ કોંગ્રેસ તરફથી પણ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને તે બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અપક્ષ સાંસદ તરીકે જીત મેળવી કોંગ્રેસ ભાજપને ભૂંડી હાર આપી છે. ત્યારે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં JDU સાથે ગઠબંધન કરી તીરના નિશાને ચૂંટણી લડવા નીકળ્યા હોવાથી ફરી એકવાર દાદરા નગર હવેલીમાં ઇતિહાસ રચશે કે કેમ તેને હવે જોવું રહ્યું.