- સેલવાસમાં આદિવાસી ભવન ખાતે ડેલકરને શ્રદ્ધાંજલિ આપાઇ
- ક્રિકેટ પ્રેમીઓ પ્રફુલ પટેલનું પૂતળું દહન કરી આક્રોશ ઠાલવ્યો
- FIRમાં જેમના નામ છે તેને પદ પરથી હટાવવા કરી માગ
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાનું દહન કરી ક્રિકેટ પ્રેમીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓએ કેન્ડલ માર્ચ યોજીને સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપીને તેમની આત્મહત્યા મામલે FIRમાં જેમના પણ નામ છે તે તમામને તેમના પદ પરથી હટાવવામાં આવે તેવી માગ કરી હતી. પૂતળા દહન વખતે પોલીસની હાજરીમાં જ પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી જનઆક્રોશ ઠાલવ્યો હતો.
પોલીસની હાજરીમાં પૂતળા દહન કરાયુ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સેલવાસમાં મહિલાઓએ પ્રફુલ પટેલના પૂતળાને ચપ્પલો મારી પૂતળાને સળગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જે બાદ શનિવારે દાદરા નગર હવેલીના ક્રિકેટ પ્રેમીઓએ સેલવાસના આદિવાસી ભવન ખાતે પ્રશાસક પ્રફુલ પટેલનું પૂતળું બાળી આક્રોશ ઠાલવ્યો હતો.
કેન્ડલ માર્ચ યોજીને ડેલકરને આપી શ્રદ્ધાંજલિ
આદિવાસી ભવન ખાતે ઉપસ્થિત યુવાનોએ કેન્ડલ માર્ચ યોજીને સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી હતી. એ સમયે સેલવાસ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. યુવાનોએ પોલીસનો ડર રાખ્યા વિના જ જાહેરમાં પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાને દહન કરી પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવ્યા હતાં. યુવાનોએ પ્રશાસક પ્રફુલ પટેલ સહિત જે લોકોના નામ FIRમાં છે. તે તમામ સામે કાર્યવાહી થાય, તે તમામને તેમના હાલના પદ પરથી દૂર કરવામાં આવે તેવી માગ કરી હતી.
ડેલકર પ્રતિભાશાળી યુવાનોને આપતા હતાં તક
ઉલ્લેખનીય છે કે, સાંસદ મોહન ડેલકર દાદરા નગર હવેલી ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતાં. તેઓ દર વર્ષે સંઘપ્રદેશની દરેક પટેલાદો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હતાં. આદિવાસી સંગઠનના બેનર હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી પ્રતિભાશાળી યુવાનોને તક આપતા હતાં. ત્યારે તેમના બલિદાનને વ્યર્થ નહિ જવા દેવાના સંકલ્પ સાથે ક્રિકેટ પ્રેમીઓએ સેલવાસના આદિવાસી ભવન ખાતે પોલીસની હાજરીમાં જ પ્રફુલ પટેલના પૂતળાનું દહન કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો : સેલવાસમાં મહિલાઓએ ચપ્પલ મારી પ્રફુલ પટેલના પૂતળા પર રોષ ઉતાર્યો