- રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો
- ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ મુદ્દે નિવારણ કરશે
- વોટ્સએપ પર અરજી કરતા એપ્લિકેશન નંબર જનરેટ થશે
રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર (WhatsApp helpline number) જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ હેલ્પલાઇન નંબર ઉપર જે તે ગામના લોકો પંચાયતને લગતા કામો અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજુઆત કરી શકશે. અરજી કર્યા બાદ જે તે અરજદાર તેમની આ સમસ્યા અને કામની અરજીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે. જ્યારે પંચાયતના અધિકારીઓને પણ આ અરજી મળી ગઈ છે અને તેમના દ્વારા અરજી પર કામ શરૂ કરવામાં આવ્યું છે કે આ તમામ બાબતો અરજદાર ઘરે બેઠા બેઠા એપ્લિકેશન નંબર મારફતે જાણી શકશે. આ તમામ પ્રક્રિયા વોટ્સએપ હેલ્પલાઇન નંબર (WhatsApp helpline number) ઉપરથી જ કરવામાં આવશે.
ઘરે બેઠા લોકો પોતાના પંચાયતને લગતા કામ કરી શકશે
રાજકોટ જિલ્લા પંચાયતના DDO દેવ ચૌધરી દ્વારા આ વોટ્સએપ હેલ્પલાઇન નંબર (WhatsApp helpline number) શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અરજદાર ઘરે બેઠા જ પોતાની પંચાયતને લગતી ફરિયાદ અથવા કામની અરજી વોટ્સએપ ઉપર કરી શકશે અને ત્યારબાદ ફરિયાદના નિકાલ બાદ અરજદારને જિલ્લા પંચાયત વોટ્સઅપ માધ્યમથી જાણ પણ કરશે. ફરિયાદ સિવાય રાજકોટ જિલ્લાના લોકો સૂચનો પણ વોટ્સઅપ માધ્યમથી મોકલી શકશે. જેના માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 02812477008 વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
એપ્લિકેશન પર DDO ની સીધી દેખરેખ રહેશે
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર (WhatsApp helpline number) જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે, આ વોટ્સએપ નંબર પર આવતી રજૂઆત કે ફરિયાદો પર મારી પણ સીધી દેખરેખ રહેશે. જ્યારે અરજી કે ફરિયાદ આવશે અને ફરિયાદનો અમારા અધિકારીઓએ જવાબ આપ્યો છે કે નહીં તે પણ હું ચેક કરી શકીશ. આ સાથે જ અમે દર અઠવાડિયે એક રીવ્યુ બેઠક પણ યોજીશુ. તેમજ જે વિભાગની વધુ ફરિયાદો આવી રહી છે તેને લઇને ચર્ચા પણ કરશું. આમ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકો પંચાયતના લગતા કામો અને સમસ્યાઓ પોતાના ઘરેથી જ પંચાયત કચેરીમાં નોંધાવી શકે છે.