ઉમેશભાઈ વાળાએ છેલ્લા 4 વર્ષથી એક પણ પ્રકારની શાળામાંથી રજા લીધી નથી. જેની સંચાલક મંડળે નોંધ લઈ સન્માનિત કર્યા હતા. તદ્ઉપરાંત જાતિભેદના મુદ્દાને કેન્દ્રમાં રાખી NCRT અને RMSA ગાંધીનગર STI ખાતે યોજાયેલ 10 દિવસના પરિસંવાદમાં પણ સક્રિય સેવા આપી હતી.
ઉમેશભાઈ વાળા વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયથી મુક્ત કરવા 'એન્જોય એક્ઝામ' અને 'કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી' જેવા વિષયો પર મોટિવેશનલ સેમિનારનું સંચાલન પણ કરે છે. સાથે જ તેઓ સમયાંતરે આકાશવાણી રાજકોટમાં ઉદઘોષક તરીકે પણ સેવા આપે છે. 300 થી પણ વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક ધાર્મિક કાર્યક્રમોના ઉદઘોષક તરીકે સેવા આપી ચૂક્યા છે. દૂરદર્શન કેન્દ્રના માધ્યમથી ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમ "પરિષદના પગથારે" માં પણ જોડાયા હતા.
રાજકોટના ઉમદા શિક્ષક ઉમેશભાઈ વાળા સેવાકાર્યમાં પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે. મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયા વેલ્ફેર સેન્ટરના ઉપક્રમે ઉનાળાની રજામાં 15 દિવસ સુધી કચ્છના જોગડ ગામમાં રહી અગરિયાના બાળકોને શિક્ષણ આપ્યું હતું. જ્યારે રાજકોટમાં જ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મજુરોના બાળકોને સમય સમયે એકત્ર કરી શિક્ષણ કાર્ય સાથે રમતો પણ શીખવાડે છે. તેઓને શૈક્ષણિક સેવાઓની નોંધ લઇ નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ દ્વારા માધ્યમિક વિભાગમાં ગુજરાત રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ રમેશભાઈ ઓઝાના હસ્તે આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તરફથી 40 થી પણ વધુ પ્રશસ્તિપત્રઓ અને સન્માન પત્ર એનાયત કરાયા છે.