- રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી નોટ છાપતા બે કારખાનેદાર ઝડપાયા
- ફેરીયાઓ પાસેથી થોડી ઘણી વસ્તુ ખરીદીને નકલી નોટ પધરાવી દેતા
- નકલી નોટ કલર ઝેરોક્ષ મશીનમાં છાપતા હતા
રાજકોટ: વાવડીમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલા કારખાનામાં બે શખ્સો દ્વારા પૈસાની તંગી હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી નકલી નોટ છાપતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દરોડા પાડતા પોલીસે 200, 500 અને 2000ના દરની 27 નકલી નોટ સાથે બન્ને કારખાનેદારોને ઝડપી પાડ્યા હતા. જે નકલી નોટ કલર ઝેરોક્ષ મશીનમાં છાપતા હતા. પોલીસે ઝેરોક્ષ મશીન પણ કબજે કર્યું હતું.
આ પણ વાંચો : રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે મધ્યપ્રદેશનું દંપતિ ભુજ રેલવે સ્ટેશનથી ઝડપાયું
એક લાખની નકલી નોટો ચલાવી નાંખી હોવાની કબૂલાત કરી
જિલ્લા પોલીસે વધુ તપાસ કરતા બન્ને આરોપી સાંજના સમયે થોડુ અંધારૂ થાય ત્યારે નકલી નોટ વટાવવાનું શરૂ કરતા હતા. તે નાના ફેરીયાઓ અને મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્તુ ખરીદી કરીને નકલી નોટ પધરાવી દેતા અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં. અત્યાર સુધીમાં આ બન્નેએ એક લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી હોય તેવી કબૂલાત બન્ને આરોપી દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ: અસલી નોટો સામે નકલી નોટો ડબલ આપવાનું કહીને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ
ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરતા કારખાનામાંથી 36 બોટલ વિદેશી દારૂ મળ્યો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કારખાનામાં દરોડો કરતા નકલી નોટો ઉપરાંત વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવી હતી. આ બન્ને શખ્સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્યા હતાં અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્ને આરોપી પર દારૂનો ગુનો અલગ નોંધીને વધુ તપાસ હાથ ધરશે