- રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો
- બહેન પોતાના બે ભાઈઓ સાથે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી પોતાના ઘરમાં જ બંધ હાલતમાં મળી આવ્યા
- સાથી સેવા ગ્રુપ દ્વારા ઘરનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા
રાજકોટઃ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેન પોતાના બે ભાઈઓ સાથે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી પોતાના ઘરમાં જ બંધ હાલતમાં મળી આવ્યા છે. જો કે આ ત્રણેય ભાઈ બહેનને સાથી સેવા ગ્રુપ દ્વારા ઘરનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.
છેલ્લા 10 વર્ષથી વધુ એક બહેન, બે ભાઈ ઘરમાં રહ્યા બંધ
જ્યારે સમગ્ર મામલે સાથી સેવા ગ્રૂપના જલ્પા પટેલને જાણ થતા તેઓ રાજકોટના કિસાનપરા શેરી નંબર 8 ખાતે આવેલ આ મકાન ખાતે દોડી ગયા હતા અને તાત્કાલિક આ ઘરમાંથી બહેન અને બે ભાઈઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘરમાં રહેલ બહેને દરવાજો ન ખોલતા અંતે આ ઘરનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના વાળ કાપીને પ્રથમ તેમને નવડાવીને જમવાનું આપ્યુ હતુ.
ત્રણેય ભાઈ બહેનની માનસિક પરિસ્થિતિ ખરાબ
આ અંગે નીતાબેન પ્રજાપતિએ જણાવ્યું કે, ઘરમાં રહેલી યુવતીને મેં ગઈકાલે જોઈ હતી. જેના વાળ જોઈને મેં વાળ કાપવા કહ્યું હતું. તે દરમિયાન મને શંકા ગઈ હતી, જેમા સામે આવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી આ મકાનમાં એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને કેદ કરી લીધી છે. જેને લઈને મેં સાથી સેવા ગ્રુપના જલ્પાબેનને આ અંગે વાત કરી હતી. તેમજ આજે આ ત્રણેય ભાઈ બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા હતા અને નવડાવીને જમાડ્યા હતા.
માતાનું અવસાન થતા માનસિક સ્થિતિ થઈ ખરાબ
ઈટીવી ભારતે આ મામલે આ યુવતીના પિતા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે, ત્રણેય ભાઈ બહેનની તબિયત ખરાબ થઈ હતી, એટલે આ ઘરમાં રહે છે. તેમજ ઘરની બહાર પણ જાય છે. ત્રણેય ભાઈ બહેનો ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ છે. તેમજ મારા પત્ની અવસાન પામ્યા એટલે પરિસ્થિતિ થોડી બગડી હતી, પરંતુ આમને કોઈ બંધન હતું નહીં અને તેઓ ઘરની બહાર પણ જાય જ છે.