- રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ કોવિડ હોસ્પિટલમાં ચોરીના બનાવો
- રાજકોટમાં કોરોના મહામારી દરમિયાન ચોરીની 4 ઘટનાઓ આવી હતી સામે
- તમામ બનાવોમાં પોલીસ દ્વારા તપાસ કરીને ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા
રાજકોટ: કોરોના મહામારી દરમિયાન ભયના માહોલ વચ્ચે કોરોના વોર્ડ (Corona ward)માં દર્દીના એકપણ સંબંધીને સાથે રહેવાની મંજૂરી ન હતી. સંબંધીઓને સાથે રહેવાની તો દૂર પરંતુ મળવાની પણ મંજૂરી આપવામાં આવતી ન હતી. આ દરમિયાન કોરોના દર્દીઓના મોત બાદ તેમના મૃતદેહો પરથી સોના-ચાંદીના દાગીના સહિત તેમની પાસેના મોબાઈલ તેમજ રોકડ રકમ પણ ચોરી થતી હતી. રાજકોટમાં અત્યાર સુધી આ પ્રકારે 4 દર્દીઓના મૃતદેહો પરથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
સમરસ હોસ્પિટલમાંથી ચોરી કરતા 3 ઝડપાયા પણ હતા
કોરોનાની પ્રથમ લહેર દરમિયાન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) માં શરૂ કરવામાં આવેલી સમરસ કોવિડ હોસ્પિટલ (Samras covid Hospital) માં દર્દીઓના મૃતદેહો પરથી દાગીના, મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી થતી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હોસ્ટેલના મેનેજર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરીને 3 ચોરોને ઝડપી પણ પાડ્યા હતા અને પરિજનોને મુદ્દામાલ પરત અપાવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર જ કરતી હતી ચોરી
રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં આવેલા કોરોના વોર્ડમાં કોરોનાથી મૃત્યુ પામનારા એક વૃદ્ધાના શરીર પરથી સોનાના કેટલાક દાગીના ગાયબ થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે વોર્ડના CCTV ફૂટેજની ચકાસણી કરતા એક મહિલા દ્વારા મૃતદહો પરથી દાગીના ઉતારવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે આ મહિલાની તપાસ કરતા તે હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી વર્ષા સોલંકી હોવાનું સામે આવ્યું હતું.
ચોરીની ઘટનાઓ અટકાવવા તંત્ર દ્વારા લેવાયેલા પગલા
રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં દર્દીઓની સંખ્યામાં વધારો થતા કોરોનાગ્રસ્ત દર્દીઓ પોતાના સંબંધીઓ સાથે વાતચીત કરી શકે તે માટે હોસ્પિટલના તંત્ર દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ હેલ્પ ડેસ્ક દ્વારા વોર્ડમાં દાખલ દર્દીઓને પોતાના પરિવાર સાથે વીડિયો કોલિંગના માધ્યમથી વાતચીત કરાવવામાં આવતી હતી. આ ઉપરાંત ચોરીની ઘટનાઓ અટકાવવા માટે દર્દીઓને કોઈપણ કિંમતી વસ્તુઓ અથવા રોકડ રકમ લઈ જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જો દર્દીઓને કોઈ વસ્તુની જરૂર હોય તો તેઓ પોતાના સંબંધીઓ પાસેથી ફોન મારફતે મંગાવી શક્તા હતા.