પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા કોરોના વાઈરસને કારણે રદ કરવામાં આવેલી સેમેસ્ટર 2, 4 અને 6ની પરીક્ષા ઓનલાઈન લેવા દરેક કોલેજોને પરિપત્ર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં 370 કોલેજોના અધિકારી સાથે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.
સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને પગલે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 370 કોલેજોમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. આ પરીક્ષાઓ જે તે કોલેજ દ્વારા ઓનલાઇન લેવા વિચારણા હાથ ધરાઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટીના અધિકારી સાથે ઓનલાઇન પરીક્ષા માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવા યુનિવર્સિટીએ જણાવ્યું છે.
આ પરીક્ષા જે તે કોલેજ દ્વારા જ લેવામાં આવશે. જેમાં કોલેજના પ્રાધ્યાપકોએ પહેલા વિદ્યાર્થીઓને જે તે વિષયનું ઓનલાઇન મટીરીયલ આપવાનું રહેશે. તેમાંથી જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવાશે. જેમાં 50 માર્કસનું એમસીક્યુનું પ્રશ્નપત્ર અને 50 માર્કનું સંશોધનનું પ્રશ્નપત્ર રહેશે. જોકે, આ પરીક્ષાનો આખરી નિર્ણય યુનિવર્સિટીના તમામ વિષયોના ડીન સાથે બેઠક કર્યા બાદ જ લેવામાં આવશે.