- 31 ડિસેમ્બરે યોજાશે રાજકોટ AIIMSનો શિલાન્યાસ વિધિ
- કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી રહેશે હાજર
- પીએમ મોદી કરશે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
રાજકોટ: આગામી 31 ડિસેમ્બરના રોજ રાજકોટ AIIMSનો શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે. જેને લઈને હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક AIIMSના સાઈટ સ્થળે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે.
પીએમ મોદી દિલ્હી કરશે વર્ચ્યુઅલ શિલાન્યાસ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈન રોડથી સભા સ્થળ સુધીના રૂટનું આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગદર્શિકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે બાબતો વિષે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે સાઈટની મુલાકાત કરી
ઘટનાસ્થળ દર્શાવતા સાઈન બોર્ડ, મેડિકલ તથા કોઈ પણ પ્રકારની ઈમર્જન્સીને પહોંચી વળવાની સુવિધા, મંડપ વ્યવસ્થા વગેરે બાબતો અંગે યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેક્ટરે આદેશ કર્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા, એઈમ્સના અધિકારી સરનદિપ સિંહા તથા આ કાર્યક્રમ માટે રચાયેલી સમિતિના વડાઓ ઉપસ્થિત રહયા હતા.